Pappu Yadav Threat: લૉરેન્સ બિશ્નોઈના નામે પપ્પુ યાદવને ધમકાવનાર યુવક દિલ્હીથી ઝડપાયો, ગૂગલ પરથી સાંસદનો નંબર શોધી ડરાવ્યા હોવાની કબૂલાત

સાળીના નામે લીધેલા UAEના સિમ કાર્ડથી વ્હોટ્સએપ નંબર એક્સેસ કરીને સાંસદને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 02 Nov 2024 08:41 PM (IST)Updated: Sat, 02 Nov 2024 08:41 PM (IST)
delhi-crime-news-accused-arrest-who-threatened-pappu-yadav
HIGHLIGHTS
  • મને મારવો હોય તો મારી નાંખો: પપ્પુ યાદવનો વીડિયો વાયરલ

Pappu Yadav Threat: બિહારની પૂર્ણિયા લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ઈસમને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં જ પપ્પુ યાદવે લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર રહેલા બૉલિવૂડ અભિનેતા સલમાન ખાન સાથે વાત કરી હતી. આ સાથે જ સાંસદે સલમાન ખાનના નિકટ મનાતા બાબા સિદ્દીકીની હત્યાને લઈને લૉરેન્સ બિશ્નોઈ ગેંગને લઈને ટિપ્પણીઓ કરી હતી. જે બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી પપ્પુ યાદવને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી.

ખુદ પપ્પુ યાદવે એક ઑડિયો પોસ્ટ કરીને બિહાર પોલીસ તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની સુરક્ષા વધારવાની માંગ કરતો પત્ર પણ લખ્યો હતો. આ ઉપરાંત ગઈકાલે પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી પોતાને મળી રહેલી ધમકી અંગે ફરિયાદ પણ નોંધાવી હતી.

જે બાદ ગઈકાલે પપ્પુ યાદવે વધુ એક વીડિયો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં પપ્પુ યાદવ કહી રહ્યા છે કે, આગામી દિવસોમાં તેઓ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં જઈ રહ્યા છે. મને મારવો હોય તો મારી નાંખો, હું મારું કામ કરતો રહીશ.આ મામલે પોલીસે દિલ્હીના સેક્ટર-4થી મહેશ પાંડે નામના યુવકની ધરપકડ કરી છે. તેણે પપ્પુ યાદવને ધમકી આપી હોવાનું કબૂલ્યું છે.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી મહેશ થોડા દિવસ પહેલા જ UAE ફરવા ગયો હતો. જ્યાં તેણે પોતાની સાળીના નામે સિમ કાર્ડ ખરીદ્યું હતુ. ભારત પરત ફર્યા બાદ તે આ UAE સિમ કાર્ડના નંબરથી પોતાનું વ્હોટ્સએપ એકાઉન્ટ એક્સેસ કરતો હતો.

આ સમયે બાબા સિદ્દીકી હત્યાકાંડ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સમાચારો ચર્ચામાં હોવાથી આરોપીએ ગૂગલ પરથી પપ્પુ યાદવનો નંબર શોધી કાઢ્યો અને પછી ધમકી આપી હતી. હાલ તો પોલીસે આરોપીનો મોબાઈલ અને સિમ કાર્ડ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.