Fauji 2 Trailer: બૉલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાન આજે પોતાનો 59મો જન્મદિવસ મનાવી રહ્યા છે. અત્યારે ભલે શાહરૂખ ખાનને બાદશાહ કહેવાય, પરંતુ તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત TV શૉથી કરી હતી. જેમાં 1988માં શાહરૂખ ખાને 'ફૌજી' થકી એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કર્યું હતુ. 13 એપિસોડની આ સીરિયલમાં શાહરૂખ ખાને અભિમન્યુ રાયની ભૂમિકા ભજવી હતી. જો કે 37 વર્ષ બાદ ફરીથી આ શૉ પરત ફરી રહ્યો છે. શાહરુખ ખાને પોતાના જન્મદિનના અવસર પર 'ફૌજી 2'નું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે.
'ફૌજી 2'ના ટ્રેલરની શરૂઆતમાં ગૌહર ખાન જોવા મળે છે. જે સેનામાં ભરતી થનારા જવાનોની સીનિયર છે. જે બાદ શૉમાં એક પછી એક એક્ટરને ઈન્ટ્રોડ્યૂઝ કરવામાં આવ્યા છે, જેઓ અલગ-અલગ જગ્યાએથી આવ્યા છે અને તમામ પાસે કોઈને કોઈ ટેલેન્ટ છે.
આ તમામ જ્યારે સેનામાં ભરતી થાય છે, તો તેમને તાલીમ આપવાની જવાબદારી ગૌહર ખાન સંભાળે છે. શાહરુખ ખાનના શૉ 'ફૌજી'માં મોર્ડન ટચ આપવામાં આવ્યો છે. આશિષ ભારદ્વાજ, અમરદીપ ફોગાટ, ઉદિત કપૂર, સુવાંસ ધર, રુદ્ર સોની, પ્રિયાંશુ રાજગુરુ, અયાન મન્ચન્દાના, અમનદિપ સિંહ અને નીલ સતપુડા આ શૉમાં ફૌજીની ભૂમિકામાં જોવા મળશે.
ખાસ વાત એ છે કે, ફૌજી 2 થકી ટેલિવૂડ સ્ટાર અંકિતા લોખંડેનો પતિ અને બિઝનેસમેન વિક્કી જૈન પણ એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કરી રહ્યો છે. વિક્કી જૈનની ભૂમિકા ફૌજીમાં કેટલી અને કેવી હશે, તેનો અંદાજો ટ્રેલર પરથી લગાવવો મુશ્કેલ છે, પરંતુ તે ગૌહર ખાનના પતિની ભૂમિકા ભજવતો જોવા મળશે. વિક્કી જૈન આ શૉનો કો-પ્રોડ્યૂસર પણ છે. જે આ 18 નવેમ્બરથી દર સોમવારથી ગુરુવાર રાતે 9 વાગ્યે દૂરદર્શન પર જોઈ શકાશે. હાલ યુટ્યૂબ પર આ ટ્રેલરને 5 કલાકમાં 2800થી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
