Delhi CJP Protests: દિલ્હી પોલીસે શનિવારે માહિતી આપી હતી કે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે અને ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ની પ્રમુખ નેહા બોરાને 16 ઓક્ટોબરની સાંજે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે નેહા બોરાને શનિવારે વહેલી સવારે મુક્ત કરી દીધી હતી. જ્યારે અભિજીત દીપકેને વિશેષ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવશે.
'નાગરિકો સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરાયો'
પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ નેહા બોરાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાના તમામ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યા છે. સામાન્ય નાગરિકો સાથે એવો વ્યવહાર કરવામાં આવે છે જાણે તેઓ કોઈ બહુ મોટા ગુનેગાર હોય અને આ ચલણ લાંબા સમયથી ચાલી રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન આંદોલને સ્પષ્ટ કરી દીધું છે કે લોકોને દિવસ હોય કે સાંજ, કસ્ટડીમાં લઈને આખી રાત રાખવામાં આવે છે અને બીજા દિવસે સવારે કે સાંજે છોડવામાં આવે છે. કયા અધિકાર કે કાયદા હેઠળ આ પ્રકારની કાર્યવાહીને વાજબી ઠેરવી શકાય? ખાસ કરીને મહિલાઓને સૂર્યાસ્ત પછી મુક્ત કરી દેવી જોઈએ, પરંતુ એવું કરવામાં આવી રહ્યું નથી.
'અરાજકતાનું નવું નેરેટિવ ફેલાવવામાં આવ્યું છે'
નેહા બોરાએ વધુમાં જણાવ્યું કે, અરાજકતા અને અવ્યવસ્થાનું એક નવું નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યું છે. પરંતુ વાસ્તવિક અરાજકતા એ જ છે જે સેન્ટ્રલ દિલ્હીમાં ઊભી કરવામાં આવી છે. દિલ્હીના સામાન્ય લોકો શાંતિથી શ્વાસ પણ લઈ શકતા નથી અને તેઓ જે પણ રસ્તેથી કામ પર જાય છે તે રસ્તો બંધ મળે છે.
તેમણે તંત્ર પર પ્રહાર કરતા કહ્યું કે, તમે આખા દેશમાં અરાજકતા ફેલાવી રહ્યા છો, મહેરબાની કરીને ભારતના લોકોને બક્ષી દો. જ્ઞાનેશ કુમાર પર મહાભિયોગ ચલાવવામાં આવે અને SIR ને તાત્કાલિક રોકવામાં આવે, જેથી નાગરિકો શાંતિથી જીવી શકે અને તેમના મતાધિકાર સુરક્ષિત રહી શકે.
વકીલો સાથે વાત ન કરવા દીધી હોવાનો આરોપ
નેહા બોરાએ પોલીસની કામગીરી પર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસે તેમની પાસે નામ, સરનામું અને અન્ય વિગતો માંગી હતી. પરંતુ લાંબા સમય સુધી તેમને બોલવા કે પોતાના વકીલ સાથે વાત કરવા દીધી નહોતી. તેમના વકીલોએ 6 કલાક સુધી સંપર્ક કરવાનો સતત પ્રયાસ કર્યો હતો. જ્યારે કોઈક રીતે ફોન લાગ્યો, ત્યારે જઈને તેમને મળવાની પરવાનગી આપવામાં આવી હતી. તેમણે અંતમાં કહ્યું કે, પોલીસ લાંબા સમયથી આ પ્રકારની હરકત કરતા આવી રહ્યા છે.
