CJP Parliament March: દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનોએ અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. CJP ના પ્રદર્શનકારીઓની માર્ચ ટોલ્સટોય માર્ગ થઈને સંસદ માર્ગ તરફ આગળ વધતાં જ સમગ્ર વિસ્તારને ભારે બેરિકેડિંગ અને સુરક્ષા દળો તૈનાત કરીને સીલ કરી દેવામાં આવ્યો છે. સ્થિતિની ગંભીરતા અને હિંસાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયના નિર્દેશથી પશ્ચિમ બંગાળથી CRPF ની 20 કંપનીઓને તાત્કાલિક દિલ્હી લાવવામાં આવી છે. આ સાથે જ CJP એ શુક્રવારે દેશભરમાં તમામ વિદ્યાર્થી સંગઠનોને એક થઈને શાંતિપૂર્ણ રીતે જિલ્લા સ્તરીય વિરોધ પ્રદર્શન કરવાનું આહ્વાન કર્યું છે.
ઇન્ટરનેટ સેનાઓ સ્થગિત કરવામાં આવી
વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી ઝડપ અને અશાંતિને પગલે દિલ્હી પોલીસ અને સરકારે આંદોલન સ્થળના બે કિલોમીટરના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત કરી દીધી છે. અગાઉ મેટ્રો સેવાઓ પર પણ અંકુશ મૂકવામાં આવ્યો હતો. ઇન્ટરનેટ બંધ થવાથી કનોટ પ્લેસ, મંડી હાઉસ, બંગાળી માર્કેટ, રાયસીના રોડ, બારખંભા અને અશોકા રોડ જેવા વિસ્તારોમાં રહેતા નાગરિકો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ વિસ્તારમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી અને કેબ બુકિંગ સેવાઓ પણ ઠપ્પ થઈ ગઈ છે.
જાણો સરકાર દ્રાવા શું આદેશ અપાયો
આ આંદોલનની સૌથી માઠી અસર દિલ્હીના મુખ્ય વેપારી મથક કનોટ પ્લેસ પર પડી છે. નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશન (NDTA) એ NDMC ની સૂચના બાદ પરિપત્ર જારી કરીને તમામ 2,000 થી વધુ દુકાનો, રેસ્ટોરાં અને ઓફિસોને સાંજે 6:30 વાગ્યા સુધીમાં બંધ કરી દેવાના આદેશ આપ્યા હતા. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે આ વિસ્તારમાં કરોડોનો વેપાર ઠપ્પ થઈ ગયો છે.
ટોલ્સટોય માર્ગ અને સંસદ માર્ગ પર સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં પોલીસને એક-બે વાર લાઠીચાર્જ કરવાની પણ નોબત આવી હતી. આશ્ચર્યજનક રીતે, આ આંદોલનમાં હવે તમામ વય જૂથના લોકો અને સ્થાનિકોની સાથે કેટલાક વિદેશી પ્રવાસીઓ પણ જોડાતા જોવા મળ્યા છે.
બીજી તરફ, જંતર મંતર ખાતે તબિયત નરમ હોવા છતાં CJP ના નેતાઓએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. આ આંદોલનને રાજકીય સમર્થન પણ મળી રહ્યું છે, જેમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સહિતના અનેક રાજકીય નેતાઓએ ધર્ણા સ્થળની મુલાકાત લઈને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. સમગ્ર નવી દિલ્હી હાલમાં છાવણીમાં ફેરવાઈ ગયું છે અને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.
