Mumbai House Demolition News: અંડરવર્લ્ડ ડોન અને કુખ્યાત આતંકી દાઉદ ઈબ્રાહિમના કાળા કારનામાના સાક્ષી રહેલા દક્ષિણ મુંબઈના ભિંડી બજાર સ્થિત હાજી ઈસ્માઈલ હબીબ મુસાફિરખાનાના બચેલા હિસ્સાને જમીનદોસ્ત કરવાની નગરપાલિકા (BMC) દ્વારા પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. જોકે, આ કાર્યવાહી થાય તે પહેલા જ સ્થાનિક રાજકારણમાં મોટો ઉછાળો આવ્યો છે. એક તરફ તંત્ર તેને અત્યંત જર્જરિત અને જોખમી ઈમારત ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષી નેતાઓ અને સ્થાનિક લોકોએ તેને 140 વર્ષ જૂની મસ્જિદ ગણાવીને વિરોધનો સૂર પુકાર્યો છે. કાયદો અને વ્યવસ્થની સ્થિતિ બગડે નહીં તે માટે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
16 નવેમ્બરે જારી થઈ હતી નવી નોટિસ
મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા ગત 16 નવેમ્બરે આ ઈમારતના સંદર્ભમાં એક નવું અને સખત ડિમોલિશન નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસમાં ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલા પ્રેયર હોલનો ઉપયોગ કરનારા લોકોને તાત્કાલિક જગ્યા ખાલી કરીને અન્યત્ર ખસી જવા માટે કહેવામાં આવ્યું છે, જેથી રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટમાં નડતરરૂપ આ જોખમી માળખાને હટાવી શકાય. દાઉદના નામ સાથે સીધી જોડાયેલી આ જગ્યાના અંતિમ હિસ્સાને તોડવાના પગલાથી સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે.
વિપક્ષનો આક્ષેપ: વક્ફ બોર્ડની મસ્જિદને નિશાન બનાવાય છે
નગર પ્રશાસન દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરની આ જગ્યાને માત્ર 'પ્રેયર સ્લોટ' ગણાવવા સામે વિપક્ષી નેતાઓ લાલઘૂમ થયા છે.
AIMIM નેતા વારિસ પઠાણે આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ અને વક્ફ ટ્રિબ્યુનલના સ્પષ્ટ સ્ટે ઓર્ડર છતાં આવી નોટિસ જારી કરવી એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. તેમણે દાવો કર્યો કે આ કોઈ સામાન્ય માળખું નહીં પરંતુ 140 વર્ષ જૂની મસ્જિદ છે, જેને પૂર્વઆયોજિત રીતે નિશાન બનાવવામાં આવી રહી છે. તેમણે આ મામલે કાયદાકીય લડાઈ લડવા માટે 15 દિવસનો સમય માગ્યો છે.
કોંગ્રેસ ધારાસભ્ય અમીન પટેલે પણ BMC અને એક સ્થાનિક ટ્રસ્ટની મિલીભગતનો આરોપ લગાવતા કહ્યું કે, અદાલતી આદેશોની અવગણના કરીને કોઈ પણ પ્રકારના યોગ્ય સમય આપ્યા વગર એકતરફી કાર્યવાહી કરવાનો ઘાટ ઘડવામાં આવી રહ્યો છે, જ્યારે આખો મામલો હજુ વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ પેન્ડિંગ છે.
1993ના બોમ્બ બ્લાસ્ટની બ્લુપ્રિન્ટ અહીં જ ઘડાઈ હતી
ઈતિહાસના પાનાં પલટીએ તો ભિંડી બજારની આ સાંકડી ગલીઓમાં આવેલી આ ઇમારત 1980ના દાયકામાં દાઉદ ઈબ્રાહિમ અને તેના સિન્ડિકેટ માટે અડ્ડો હતી. તસ્કરીનો માલ છુપાવવાથી લઈને ગેંગની ગતિવિધિઓનું સંચાલન અહીંથી થતું હતું.
વર્ષ 1986માં ભારત છોડીને દુબઈ ભાગી જતા પહેલા દાઉદ અને તેનો પરિવાર આ જ મુસાફિરખાનાની બીજા માળે રહેતો હતો. આ ઇમારતમાં જ દાઉદનો ખાસ પર્સનલ રૂમ અને ખાનગી ઓફિસ હતી, જ્યાં બેસીને કુખ્યાત દાઉદ ઈબ્રાહિમે 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનું ષડયંત્ર રચ્યું હતું. દાઉદ દેશ છોડીને ભાગ્યા બાદ તેની માતા અમીના બી અહીં જ રહેતી હતી અને પાછળથી તેના ભાઈ ઇકબાલ કાસકર દ્વારા પણ આ જગ્યાનો ઉપયોગ કરાયાની વાતો સામે આવી ચૂકી છે.
વર્ષ 2020થી ચાલી રહી છે તોડફોડની કાર્યવાહી
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ક્યારેક આ ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 32 જેટલી દુકાનો અને ઉપરના માળ પર 19 રેસિડેન્શિયલ ફ્લેટ્સ હતા. ઓગસ્ટ 2020માં બોમ્બ હાઈકોર્ટના આદેશ બાદ, આ ઇમારતને 'C-1' કેટેગરી (અતિ જોખમી અને જર્જરિત) જાહેર કરવામાં આવી હતી.
ત્યારબાદ BMCએ ઉપરના માળના મોટાભાગના હિસ્સાને તોડી પાડ્યા હતા. દાઉદ જે રૂમો વાપરતો હતો તે પહેલો અને બીજો માળ અગાઉ જ જમીનદોસ્ત કરી દેવાયા છે. હાલમાં માત્ર ગ્રાઉન્ડ ફ્લોરનો વિવાદિત હિસ્સો અને પહેલા માળના કેટલાક રૂમો જ બચ્યા છે. ઉલ્લેખનીય છે કે, 1993ના બ્લાસ્ટ બાદ સરકારે SAFEMA કાયદા હેઠળ દાઉદના પરિવારની સંપત્તિઓ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. દાઉદની માતા અને બહેને તેને સુપ્રીમ કોર્ટ સુધી પડકારી હતી, પરંતુ 20 એપ્રિલ 2018ના રોજ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવીને આ મિલકતો સરકાર હસ્તક લેવાનો રસ્તો સાફ કરી દીધો હતો.
