Noida | Suicide: દેશના પાટનગરને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં એક હ્રદયને હચમચાવી નાંખે, તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક મહિલાએ પોતાના 11 વર્ષના પુત્ર સાથે 13માં માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. અંતિમ પગલું ભરતા પહેલા મહિલાએ પોતાના પતિની ઉદ્દેશીને સ્યુસાઈડ નોટ લખી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગ્રેટર નોઈડાની એસ. સિટી સોસાયટીમાં રહેતી સાક્ષી ચાવલાએ પોતાના 11 વર્ષના પુત્ર દક્ષ સાથે 13માં માળેથી નીચે પડતું મૂકીને મોતને વ્હાલુ કર્યું છે. આ બાબતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. જેમણે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તપાસ હાથ ધરી હતી.
પોલીસને સાક્ષીએ અંતિમ પગલું ભરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણીએ પોતાના પતિ દર્પણ ચાવલાની માફી માંગી છે. આ સાથે જ લખ્યું છે કે, હવે અમે બન્ને તમને વધારે હેરાન નથી કરવા માંગતા. આથી અમે આ ફાનિ દુનિયા છોડીને જઈ રહ્યા છીએ. અમારી મોત માટે બીજુ કોઈ નહીં, પરંતુ અમે જ જવાબદાર છીએ.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળ ઉત્તરાખંડના નેગી ગામનો વતની દર્પણ ચાવલા પત્ની સાક્ષી અને પુત્ર દક્ષ સાથે એસ.સિટીમાં રહેતો હતો. સાક્ષી નોઈડામાં સારા પેકેજ પર જૉબ કરતી હતી. જ્યારે દર્પણ પણ ગુરુગ્રામમાં નોકરી કરતો હતો. દક્ષ જ્યારે બે વર્ષનો હતો, ત્યારે દંપતીને તેની માનસિક બીમારી વિશે ખબર પડી હતી. જેથી સાક્ષીએ નોકરી છોડી દીધી હતી અને પુત્રની સંભાળ રાખતી હતી. દર્પણ અને સાક્ષી દક્ષ જલ્દી સ્વસ્થ થઈ જાય, તે માટે ડૉક્ટરની દવાઓથી માંડીને દુઆ તમામ પ્રયાસ કરતા હતા. આમ છતાં દક્ષની તબિયતમાં કોઈ ફેર નહતો પડતો.
દર્પણ સવારે 9 વાગ્યે ઉઠ્યો અને તેણે પત્ની સાક્ષીને દક્ષને દવા આપવાનું કહીને પોતાના રૂમમાં જતો રહ્યો. આ દરમિયાન સાક્ષીએ દીકરાને દવા આપી અને પછી બન્ને જણા કૂદી પડ્યા હતા.
