Crime News: ચારિત્ર્યની શંકામાં પતિ હેવાન બન્યો, પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી; લાશને ભઠ્ઠીમાં સળગાવી પુરાવાનો નાશ કર્યો

પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ ચાર વખત દ્રશ્યમ ફિલ્મ જોઈને પુરાવાનો નાશ કર્યો. ભઠ્ઠીમાંથી પત્નીની રાખ કાઢી નદીમાં ફેંકી દીધી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Nov 2025 11:08 PM (IST)Updated: Sun, 09 Nov 2025 11:08 PM (IST)
crime-news-husband-killed-wife-drishyam-style-murder-in-pune
HIGHLIGHTS
  • હત્યારા પતિને અન્ય યુવતી સાથે અનૈતિક સબંધ હતા
  • પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ સમક્ષ નાટક કરતો હતો

Crime News: મહારાષ્ટ્રના પૂણે શહેરમાં દ્રશ્યમ સ્ટાઈલમાં એક ફિલ્મી મર્ડરનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિએ ચારિત્ર્યની શંકા રાખી પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે દ્રશ્યમ ફિલ્મ જોઈને લાશને ભઠ્ઠીમાં નાંખીને સળગાવી મારી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ અમરાવતીનો વતની સમીર જાદવના 2017માં અંજલી નામની યુવતી સાથે લગ્ન થયા હતા. આ લગ્ન જીવન થકી તેને બે સંતાનો પણ છે. સમીર પત્ની સહિતના પરિવાર સાથે પૂણેના શિવણે વિસ્તારમાં રહેતો હતો અને ફેબ્રિકેશનનું કામ કરીને ગુજરાન ચલાવતો હતો. પતિ સમીરને અન્ય યુવતી સાથે અનૈતિક સબંધ હતો. જ્યારે તે પત્ની અંજલીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો.

સમીરના બન્ને સંતાનો દિવાળીના વેકેશનમાં અમરાવતી વતનમાં ગયા હતા. આ દરમિયાન ગત 26 ઓક્ટોબરના રોજ સમીર ખેડ શિવપુર નજીક ગોગલવાડીમાં ભાડે રાખેલું ગોદામ બતાવવાના બહાને પત્ની અંજલીને લઈને ગયો હતો. જ્યાં સમીરે ગળું દબાવીને પત્નીને મારી નાંખી હતી. જે બાદ ગોદામમાં પહેલાથી બનાવેલી ભઠ્ઠીમાં પત્નીની લાશ નાંખીને સળગાવી દીધી હતી. આટલું જ નહીં, જે બાદ બચેલી રાખને નદીમાં ફેંકીને ભઠ્ઠી તોડી પાડી હતી.

પત્નીની હત્યા બાદ સમીરે પોલીસ મથકમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસને તેના પર જ શંકા જતાં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ કરતાં ફરિયાદી પતિની જ સંડોવણી સામે આવી હતી. આથી પોલીસે હત્યારા પતિને ઝડપી પાડીને પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલા હત્યારાએ જણાવ્યું કે, પત્નીની હત્યા કર્યાં પછી તેણે 4 વખત દ્રશ્યમ ફિલ્મ જોઈ હતી. જે બાદ ભઠ્ઠીમાં લાશ સળગાવીને પુરાવાનો નાશ કર્યો હતો.