Meerut Blue Drum Murder Case: સમગ્ર દેશને હચમચાવી મૂકનારા ઉત્તર પ્રદેશના મેરઠના ચર્ચિત 'બ્લૂ ડ્રમ હત્યાકાંડ'માં આખરે ન્યાય થયો છે. કોર્ટે પોતાના જ પતિની નિર્મમ હત્યા કરીને તેની લાશને બ્લૂ ડ્રમમાં છુપાવી દેવાના ગુનામાં પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલને ફાંસીની સજા (મોતની સજા) સંભળાવી છે.
જિલ્લા જેલમાંથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંને આરોપીઓની રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં જિલ્લા જજ અરવિંદ કુમાર મિશ્રાની અદાલતે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
13 મહિનામાં 126 મુદતો અને 22થી વધુ સાક્ષીઓના નિવેદન
આ ચર્ચિત સૌરભ રાજપૂત હત્યાકાંડમાં જુલાઈ 2025થી ટ્રાયલ શરૂ થઈ હતી. લગભગ 13 મહિના સુધી ચાલેલી આ કાનૂની લડાઈ દરમિયાન કુલ 126 મુદતો પડી હતી અને અદાલતમાં 22થી વધુ મહત્ત્વના સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. પુરાવા અને સાક્ષીઓની કડીઓ મેળવ્યા બાદ કોર્ટે આ કેસમાં મુસ્કાન અને સાહિલને દોષિત ઠેરવ્યા હતા અને આજે તેમની સજાનું એલાન કરવામાં આવ્યું છે.
'જેવું ભાઈ સાથે કર્યું, તેવું જ એમની સાથે થયું' - પરિવારનો આક્રોશ
મૃતક સૌરભ રાજપૂતનો પરિવાર શરૂઆતથી જ બંને દોષિતો માટે ફાંસીની સજાની માંગ કરી રહ્યો હતો. ચુકાદા બાદ સૌરભના ભાઈ રાહુલ રાજપૂતે ભાવુક થઈને જણાવ્યું કે- અમને શરૂઆતથી જ ન્યાયતંત્ર પર ભરોસો હતો. અમારી એક જ માંગણી હતી કે જે રીતે આ લોકોએ મારા ભાઈને દર્દનાક રીતે માર્યો હતો, તેમને પણ એ જ સજા મળવી જોઈએ. આજે મારા ભાઈના આત્માને સાચી શાંતિ મળી છે.
દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો 'બ્લૂ ડ્રમ કાંડ'
આ હત્યાકાંડ તેની ક્રૂરતાના કારણે સમગ્ર દેશમાં ભારે ચર્ચામાં રહ્યો હતો. ગત વર્ષે 19 માર્ચે પોલીસે પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.
તપાસમાં સામે આવ્યું હતું કે મુસ્કાન અને સાહિલે સૌરભની હત્યા કર્યા બાદ તેની લાશને ઘરના જ એક બ્લૂ રંગના પ્લાસ્ટિકના ડ્રમમાં છુપાવી દીધી હતી. જ્યારે પોલીસ ઘરની તપાસ કરવા પહોંચી ત્યારે આ બ્લૂ ડ્રમમાંથી સૌરભનો મૃતદેહ મળી આવ્યો હતો, જે જોઈને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
