Air India Crew Policy: તાજેતરમાં લેન્સકાર્ટ (Lenskart) વિવાદ બાદ હવે ટાટા ગ્રુપની માલિકીની એરલાઈન્સ એર ઈન્ડિયા (Air India) તેની નવી કેબિન ક્રૂ પોલિસીને કારણે વિવાદોના વમળમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર એર ઈન્ડિયાની નવી ગ્રોમિંગ ગાઈડલાઈન્સ વાયરલ થઈ રહી છે, જેમાં મહિલા ક્રૂ મેમ્બર્સને ફરજ દરમિયાન બિંદી અને સિંદૂર જેવા ધાર્મિક પ્રતીકો પહેરવા પર પ્રતિબંધ હોવાના અહેવાલોથી મોટો વિવાદ સર્જાયો છે.
શું છે એર ઈન્ડિયાની નવી પોલિસી?
વાયરલ થયેલા અહેવાલો અનુસાર, એર ઈન્ડિયાએ તેના કેબિન ક્રૂ માટે દેખાવ અને ગ્રોમિંગના કડક નિયમો જાહેર કર્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલા ક્રૂ મેમ્બર્સ યુનિફોર્મમાં હોય ત્યારે મોટી બિંદી લગાવી શકશે નહીં (માત્ર નાની અને સાદી બિંદીની મંજૂરી હોઈ શકે છે). માથામાં સિંદૂર એવી રીતે લગાવવું જોઈએ કે તે દેખાય નહીં અથવા તેને ટાળવું જોઈએ. આ ઉપરાંત, ધાર્મિક દોરા (રક્ષા પોટલી) કે અન્ય દૃશ્યમાન ધાર્મિક ચિહ્નો પહેરવા પર પણ મર્યાદા મૂકવામાં આવી હોવાનું કહેવાય છે.
સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા
આ પોલિસી સામે નેટીઝન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણા યુઝર્સ તેને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રહાર ગણાવી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે, "શું બિંદી કે સિંદૂર પહેરવાથી સુરક્ષા કે સેવામાં કોઈ બાધા આવે છે?" યુઝર્સ 'ટાટા' જેવી ભારતીય બ્રાન્ડ પાસેથી આવી પોલિસીની અપેક્ષા રાખતા ન હોવાનું જણાવી રહ્યા છે.
લેન્સકાર્ટના વિવાદ જેવી જ સ્થિતિ
નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ચશ્મા વેચતી કંપની લેન્સકાર્ટના એક કથિત ઈમેલને લઈને પણ આવો જ વિવાદ થયો હતો, જેમાં કર્મચારીઓને બિંદી ન પહેરવા જણાવાયું હતું. હવે એર ઈન્ડિયાના આ કિસ્સાએ સોશિયલ મીડિયા પર 'ધાર્મિક સ્વતંત્રતા' અને 'કોર્પોરેટ ગ્રોમિંગ' વચ્ચેની ચર્ચાને ફરી તેજ કરી દીધી છે. એર ઈન્ડિયા તરફથી હજુ સુધી આ વાયરલ મેમો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી.
