Rahul Gandhi Complaint Haldwani: ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોંગ્રેસની રેલી બાદ યોજાયેલા રામલીલા મેદાનના શુદ્ધિકરણ કાર્યક્રમને લઈને શરૂ થયેલો વિવાદ હવે કાનૂની વળાંક લઈ ચૂક્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ હલ્દવાની કોતવાલી પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શુદ્ધિકરણ વિધિમાં ભાગ લેનારા 'શ્રી રામ સેના ધર્માર્થ સેવા સમિતિ'ના સભ્ય અમિત કુમારે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ આ ધાર્મિક અને સ્વચ્છતા પ્રક્રિયાને જાતિવાદી દ્રષ્ટિકોણ આપીને સમુદાયની ભવનાઓ દુભાવી છે.
શું છે સમગ્ર વિવાદ અને ઘટનાક્રમ?
ફરિયાદી અમિત કુમારના જણાવ્યા મુજબ, 8 ઓગસ્ટના રોજ હલ્દવાનીના રામલીલા મેદાન ખાતે કોંગ્રેસ પાર્ટીની 'વિજય શંખનાદ રેલી' યોજાઈ હતી. રેલી પૂરી થયા બાદ મેદાનમાં કચરો અને વાંધાજનક સામગ્રી મળી આવી હોવાનો આરોપ મૂકીને, 11 ઓગસ્ટના રોજ અનુસૂચિત જાતિ સમુદાયના સભ્યો સાથે મળીને સ્થળની સફાઈ કરવામાં આવી હતી અને હવન સહિતની શુદ્ધિકરણ વિધિ યોજવામાં આવી હતી.
અમિત કુમારે સ્પષ્ટતા કરી હતી કે આ આયોજનનો હેતુ માત્ર જમીનને સાફ કરવાનો અને ધાર્મિક શુદ્ધિ કરવાનો હતો; તેને કોઈ જાતિ કે સમુદાય સાથે કોઈ લેવાદેવા નહોતી.
અસ્પૃશ્યતાના આરોપથી ગૌરવને નુકસાન પહોંચ્યાનો દાવો
ફરિયાદમાં જણાવાયું છે કે 29 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીએ હલ્દવાની શુદ્ધિકરણ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો અને તેને અસ્પૃશ્યતાની પ્રથા સાથે જોડ્યો હતો. રાહુલ ગાંધીએ પોતાની ટિપ્પણીમાં શુદ્ધિકરણ કરનારા લોકોને દલિત વિરોધી દર્શાવ્યા હોવાનો આરોપ છે.
પોતે અનુસૂચિત જાતિ સમુદાયમાંથી આવતા હોવાનું જણાવતાં અમિત કુમારે ઉમેર્યું કે રાહુલ ગાંધીના આ નિવેદનથી તેમની સામાજિક પ્રતિષ્ઠા, માન-સન્માન અને સુરક્ષાની ભાવનાને ગંભીર નુકસાન પહોંચ્યું છે. તેમણે પોલીસ સમક્ષ સંબંધિત કલમો હેઠળ રાહુલ ગાંધી સામે FIR નોંધવાની માંગ કરી છે. હલ્દવાનીના સિટી એસપીએ આ મામલે ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે પોલીસ હાલ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
