CJP Parliament March Updates: રાજધાની દિલ્હીમાં શિક્ષણ સુધારા અને પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના મુદ્દે ચાલી રહેલું આંદોલન આજે અત્યંત ઉગ્ર અને નાટકીય વળાંક પર પહોંચી ગયું છે. 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા આયોજિત 'સંસદ ચલો માર્ચ' દરમિયાન દિલ્હી પોલીસે પક્ષના સ્થાપક અને પ્રમુખ અભિજીત દીપકે સહિત અનેક પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લઈ લીધા છે, તેવી માહિતી સામે આવી હતી પરંતુ તે એક અફવા હતી . આ ઘટનાને પગલે આંદોલનકારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને સંસદ ભવનની આસપાસ સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય કિલ્લા જેવી કરી દેવામાં આવી છે.
પોલીસની કાર્યવાહી
મળતી માહિતી મુજબ, CJP ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ જ્યારે સંસદ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પક્ષના પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક મોટો દાવો કરતા જણાવ્યું કે, પોલીસે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો છે અને CJP ના સ્થાપક અભિજીત દીપકેની અટકાયત કરી લીધી છે. આ ઉપરાંત સંસદ તરફ આગળ વધી રહેલા અનેક પ્રદર્શનકારીઓને પણ દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. સૌરવ દાસે દેશના તમામ સાંસદોને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક રસ્તા પર ઉતરે અને ન્યાયની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉભા રહે.
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે CJP પ્રતિનિધિમંડળની મહત્વની બેઠક
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર ચાલી રહેલા આ ભારે હોબાળા અને ટકરાવ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ તેમના નિવાસસ્થાને CJP ના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. પક્ષના પ્રવક્તા સૌરવ દાસે માહિતી આપી હતી કે, બે કલાકથી વધુ સમય સુધી રાહ જોયા બાદ તેઓ અને આશુતોષ રાંકા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને મળ્યા હતા. આ આશરે ૧૦ મિનિટ ચાલેલી બેઠકમાં પ્રતિનિધિમંડળે પોતાની માંગણીઓ અંગેનું એક લેખિત પત્ર મંત્રીને સોંપ્યું હતું.
સરકાર તરફથી આંતરિક ચર્ચાનું આશ્વાસન
આ બેઠક બાદ સૌરવ દાસે જણાવ્યું કે, સરકારે આજે સવારે જ તેમની સાથે વાતચીત માટે સંપર્ક કર્યો હતો. મુલાકાત દરમિયાન જેપી નડ્ડાએ પ્રતિનિધિમંડળને ભરોસો આપ્યો છે કે સરકાર આ મુદ્દાઓ પર આંતરિક સ્તરે ગંભીરતાથી ચર્ચા-વિચારણા કરશે. દાસે ઉમેર્યું કે, "અમારી માંગણીઓ બિલકુલ સ્પષ્ટ છે. દેશના હજારો અને લાખો યુવાનો આ શિક્ષણ સુધારાના આંદોલન સાથે જોડાયેલા છે, અને અમને પૂરો વિશ્વાસ છે કે અંતે વિદ્યાર્થીઓની જ જીત થશે." હાલમાં જંતર-મંતરથી લઈને સંસદ સુધીનો વિસ્તાર ભારે તણાવ હેઠળ છે અને પોલીસ એલર્ટ પર છે.
