તિહાર જેલમાં જવાથી કેવી રીતે બચી ગયો અભિજીત દીપકે? જાણો સૌરભ દાસ અને આશુતોષ રાંકા જેલભેગા થયા પણ દીપકેને કેમ મળ્યા જામીન

શનિવારે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACM) ની કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે દીપકેને તિહાર જેલમાં મોકલવા માટે ભારે આગ્રહ કર્યો હતો. લગભગ ચાર કલાક સુધી ચાલેલી લાંબી દલીલો અને કાયદાકીય મંથન બાદ, કોર્ટે ભવિષ્યમાં શાંતિ જાળવી રાખવા માટે બોન્ડ ભરવાની શરતે તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 18 Oct 2026 02:13 PM (IST)Updated: Sun, 18 Oct 2026 02:13 PM (IST)
cjp-leader-abhijit-deepke-gets-bail-saurabh-das-ashutosh-ranka-sent-to-tihar-jail
અભિજીત દીપકે

Abhijit Deepke CJP Bail: દિલ્હીની કોર્ટે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દીપકેને કેટલીક કડક શરતો અને શ્યોરિટી બોન્ડ ભરવાની શરતે જામીન આપ્યા છે. શનિવારે સવારે દિલ્હી પોલીસે તેમની સત્તાવાર ધરપકડ કરી હતી. CJPના અન્ય અગ્રણી નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકાને પાંચ દિવસ માટે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હોવાના અહેવાલો વચ્ચે, હવે લોકોના મનમાં પ્રશ્ન ઊભો થયો છે કે આખરે દીપકે તિહાર જેલ જવાથી કેવી રીતે બચી ગયા અને કોર્ટે તેમને કયા આધારે રાહત આપી?

ચાર કલાકની તીખી દલીલો બાદ મળ્યા શરતી જામીન

શનિવારે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACM) ની કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે દીપકેને તિહાર જેલમાં મોકલવા માટે ભારે આગ્રહ કર્યો હતો. લગભગ ચાર કલાક સુધી ચાલેલી લાંબી દલીલો અને કાયદાકીય મંથન બાદ, કોર્ટે ભવિષ્યમાં શાંતિ જાળવી રાખવા માટે બોન્ડ ભરવાની શરતે તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે એક જ અઠવાડિયામાં આ બીજી વખત બન્યું છે જ્યારે દીપકેને શાંતિ જાળવવાના બોન્ડ ભર્યા બાદ જામીન મળ્યા હોય. પ્રતિબંધાત્મક આદેશો (કલમ 163) નું ઉલ્લંઘન કરીને કનોટ પ્લેસ વિસ્તારમાં 'તિરંગા માર્ચ' કાઢવાનો પ્રયાસ કરવા બદલ શુક્રવારે દીપકેની અટકાયત કરવામાં આવી હતી.

શા માટે જેલભેગા થયા સૌરભ દાસ અને આશુતોષ રાંકા?

આ મામલાની શરૂઆત 11 ઓક્ટોબરે થઈ હતી, જ્યારે પોલીસે દીપકે, રાંકા અને દાસ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તે સમયે તેમને એક વર્ષ સુધી શાંતિ જાળવવાના બોન્ડ અને ₹50,000 ની જામીનગીરી પર મુક્ત કરાયા હતા. આમ છતાં, 13 ઓક્ટોબરે રાંકા અને દાસ જંતર-મંતર પહોંચ્યા હતા. પોલીસની મનાઈ હોવા છતાં અને જામીન બોન્ડની શરતોનું ઉલ્લંઘન કરીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવા બદલ તેમને 5 દિવસ માટે તિહાર જેલ મોકલી દેવાયા હતા.

આ ઘટનાની જાણ થતાં જ દીપકે 14 ઓક્ટોબરે મહારાષ્ટ્રથી દિલ્હી આવ્યા હતા અને શુક્રવારે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં 'તિરંગા માર્ચ' યોજવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. જોકે, આ માર્ચમાં માત્ર 200 થી 250 સમર્થકો જ પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે એનસીપી (શરદ પવાર જૂથ) ના પ્રવક્તા અનીશ ગવાંડેના ઝંડેવાલાન સ્થિત નિવાસસ્થાનેથી દીપકેની કસ્ટડી લીધી હતી.

દીપકેને મુક્ત કરવાનું મુખ્ય કાયદાકીય કારણ

દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કાનૂની સૂત્રોના જણાવ્યા મુજબ, જંતર-મંતર ખાતે થયેલી ગરબડ અને અશાંતિના કેસમાં દીપકેને જેલમાંથી મુક્તિ મળવાનું મુખ્ય કારણ એ હતું કે તેઓ વાસ્તવમાં તે સરઘસ કે પ્રદર્શન સ્થળે ભૌતિક રીતે હાજર નહોતા. બીજી તરફ, સૌરભ દાસ અને આશુતોષ રાંકા સૂચનાઓ હોવા છતાં ગુપ્ત રીતે જંતર-મંતર પહોંચ્યા હતા અને પ્રદર્શન કરીને શરતોનો ભંગ કર્યો હતો.

પોલીસે સ્પષ્ટ કર્યું કે શાંતિ ભંગ થવાની આશંકાને પગલે 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા' (BNSS) ની કલમ 126 અને 170 હેઠળ દીપકેની ઔપચારિક અટકાયત કરવામાં આવી હતી. કલમ 170 પોલીસને સંજ્ઞેય ગુનો અટકાવવા માટે ધરપકડ કરવાની સત્તા આપે છે, જ્યારે કલમ ૧૨૬ હેઠળ મેજિસ્ટ્રેટ શાંતિ જાળવવાનો બોન્ડ લે છે. આ કાયદાકીય જોગવાઈઓના યોગ્ય પાલનને કારણે દીપકે તિહાર જેલ જવાથી બચી ગયા હતા.