CJP Founder Abhijeet Dipke Detained: દિલ્હીમાં વધી રહેલા રાજકીય ઉત્તાપ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર એક હાઈડ્રામેટિક ઘટના સામે આવી છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે જેવા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા, કે તરત જ દિલ્હી પોલીસના જવાનોએ વિમાનની અંદર પ્રવેશ કરીને તેમની અટકાયત કરી લીધી હતી. દિલ્હીમાં પ્રસ્તાવિત CJP વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ એક્શન મોડમાં હતી, જેના ભાગરૂપે આ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે.
વિમાન લેન્ડ થતા જ પોલીસની કાર્યવાહી
મળતી માહિતી મુજબ, અભિજીત દીપકે દિલ્હીમાં આયોજિત વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવી રહ્યા હતા. તેમની ફ્લાઈટ IGI એરપોર્ટ પર લેન્ડ થયાની થોડી જ મિનિટોમાં, દિલ્હી પોલીસનો કાફલો એરક્રાફ્ટની અંદર પહોંચી ગયો હતો. વિમાનમાં જ તેમની ઘેરાબંધી કરીને પોલીસે તેમને પોતાની સાથે આવવા માટે જણાવ્યું હતું. આ ઘટના સમયે ફ્લાઈટમાં સવાર અન્ય મુસાફરોમાં પણ ક્ષણભર માટે કૌતુક અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
'હું ધરપકડ થવા જ આવ્યો છું' - અભિજીત દીપકે
વિમાનની અંદર જ્યારે દિલ્હી પોલીસે અભિજીત દીપકેનો સંપર્ક કર્યો, ત્યારે તેમની અને પોલીસ અધિકારીઓ વચ્ચે ચર્ચાઓ થઈ હતી. અભિજીત દીપકેએ પોલીસ સમક્ષ મક્કમતાથી જણાવ્યું હતું કે, "...હું અહીં મારી ધરપકડ કરાવવા જ આવ્યો છું; તમે મને અરેસ્ટ કરી લો."
તેમના આ નિવેદન સામે દિલ્હી પોલીસના અધિકારીઓએ સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, "ના, આ કોઈ ધરપકડ નથી. કૃપા કરીને તમે અમારી સાથે સહકાર આપો." પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે માત્ર તેમની અટકાયત કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
અભિજીત દીપકેની આ અટકાયત પહેલા દિલ્હી પોલીસે જંતર-મંતર સહિતના વિવિધ વિસ્તારોમાંથી CJP ના અનેક કાર્યકરો અને સમર્થકોની પણ અટકાયત કરી છે. સુરક્ષા એજન્સીઓને આશંકા હતી કે CJP ના સ્થાપકના દિલ્હી આગમન બાદ પ્રદર્શન વધુ ઉગ્ર બની શકે છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જ આ મોટું કદમ ઉઠાવવામાં આવ્યું હતું. હાલમાં અભિજીત દીપકેને એરપોર્ટથી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને દિલ્હીના મુખ્ય માર્ગો તથા બોર્ડર પર કડક પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે.
