દિલ્હીમાં ફરી ગરમાયું રાજકારણ! 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટથી પોલીસ હેડક્વાર્ટર સુધી CJPની માર્ચ, જાણો શું છે કારણ?

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા ગેટથી નવી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સુધી યુવા માર્ચ યોજવાની જાહેરાત કરી છે. સરકાર પર જુલાઈ આંદોલન દરમિયાન આપેલા વચનો પૂરા ન કરવાનો અને FIR પર નિર્ણય ન લેવાનો આરોપ છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 24 Aug 2026 07:46 PM (IST)Updated: Mon, 24 Aug 2026 07:46 PM (IST)
cjp-delhi-youth-march-on-sept-5-over-unfulfilled-promises

CJP Delhi Youth March: જુલાઈ માસ દરમિયાન યોજાયેલા દેશવ્યાપી આંદોલન બાદ કેન્દ્ર સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે સર્જાયેલી સંમતિ હવે ફરી એકવાર વિવાદના વંટોળમાં ઘેરાઈ છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) એ સરકાર પર યુવાનો અને વિદ્યાર્થીઓને આપેલા વચનો પૂરા ન કરવાનો ગંભીર આક્ષેપ મૂકી આગામી 5 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં વિશાળ યુવા માર્ચની જાહેરાત કરી છે.

ઈન્ડિયા ગેટથી નવી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સુધીની રેલી

CJPની નેશનલ વર્કિંગ કમિટી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, આ વિરોધ માર્ચ 5 સપ્ટેમ્બરે ઐતિહાસિક ઈન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હી સ્થિત પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચશે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ NEET પરીક્ષા ક્ષતિઓના પીડિત પરિવારો અને કથિત પોલીસ કાર્યવાહીનો ભોગ બનેલા યુવાનોના સ્વજનો કરશે. આ માર્ચમાં દેશભરના વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને યુવા યુનિયનો પણ મોટી સંખ્યામાં જોડાવાની શક્યતા છે.

 

સરકાર પર વચનભંગ અને વિલંબનો આક્ષેપ

CJP એ પોતાના નિવેદનમાં કેન્દ્ર સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ટીકા કરી છે. સંગઠનનું કહેવું છે કે- 25 જુલાઈના રોજ કેન્દ્ર સરકારે આંદોલનકારી વિદ્યાર્થીઓ સાથે જે વચનો આપ્યા હતા, તેને પૂરા કરવામાં સતત ટાળમટોળ નીતિ અપનાવવામાં આવી રહી છે. જુલાઈ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી પોલીસ ફરિયાદો (FIR) તાત્કાલિક અસરથી રદ કરવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ તે દિશામાં સરકારે કોઈ નક્કર પગલાં ભર્યા નથી.

સરકારના આ ઉપેક્ષિત વલણને કારણે CJPની વર્કિંગ કમિટીએ ફરી એકવાર શાંતિપૂર્ણ રીતે રસ્તા પર ઉતરીને અવાજ ઉઠાવવાનો નિર્ણય લીધો છે.

સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનો ઉલ્લેખ

સંગઠને પોતાના નિવેદનમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કાનૂની પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો છે. CJP મુજબ, 18 ઓગસ્ટના રોજ સર્વોચ્ચ અદાલતે દેશભરમાં વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR અંગેની યાદી માંગી હતી જેથી તમામ કેસો પર એકસાથે વિચારણા કરી શકાય. પરંતુ સંગઠનનો આરોપ છે કે સરકાર આ મામલે કોર્ટ સમક્ષ પણ સ્પષ્ટ અને સકારાત્મક વલણ દાખવવામાં નિષ્ફળ રહી છે, જેથી સરકારની દાનત સામે ગંભીર સવાલો ઊભા થાય છે.

5 સપ્ટેમ્બરે શિક્ષક દિન હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા યોજાનારી આ માર્ચને કારણે દિલ્હીના સુરક્ષા તંત્ર અને પોલીસ પ્રશાસન સામે મોટી પડકારજનક સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.