રામ મંદિરના દાનમાં ચોરીના આરોપો પર પહેલીવાર ચંપત રાયે પત્ર લખીને તોડ્યું મૌન, કહ્યું- મારું જીવન ખુલ્લી કિતાબ જેવું, સત્ય સામે આવશે

અયોધ્યા રામ મંદિર દાનપાત્રમાં ચોરીના વિવાદ વચ્ચે ચંપત રાયે પત્ર લખી પોતાનો પક્ષ રજૂ કર્યો છે. SIT રિપોર્ટ અને પોતાના પર લાગેલા આરોપો અંગે શું કહ્યું? વાંચો અહીં વિગતે

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 07 Jul 2026 07:13 PM (IST)Updated: Tue, 07 Jul 2026 07:13 PM (IST)
champat-rai-breaks-silence-for-the-first-time-regarding-allegations-of-theft-in-ram-mandir-donations-via-a-letter-stating-my-life-is-like-an-open-book-the-truth-will-come-out

Ram Mandir Donation Case: શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં દાનપાત્રની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરીના મામલે વિવાદો વકર્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે એક્સ પર એક ભાવુક અને સ્પષ્ટવક્તા પત્ર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢતા તપાસ રિપોર્ટના આધારે સત્ય સામે લાવવાની ખાતરી આપી છે.

શું છે સમગ્ર મામલો?

છેલ્લા કેટલાક દિવસોથી અયોધ્યા રામ મંદિરના દાનપાત્રમાંથી રકમની ચોરી થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ મામલે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા વ્યક્તિગત રીતે ચંપત રાય પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ આરોપો બાદ ચંપત રાયે લાંબો સમય મૌન જાળવી રાખ્યું હતું, પરંતુ હવે ટ્રસ્ટની 6 જુલાઈની બેઠક બાદ તેમણે પત્ર દ્વારા પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

SIT રિપોર્ટ પર શું કહ્યું?

ચંપત રાયે પોતાના પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે- 6 જુલાઈના રોજ મંદિર ટ્રસ્ટની બેઠક મળી હતી, જેમાં SITનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ હવે જાહેર થઈ ચૂક્યો છે, જે પહેલા પરમ ગોપનીય હતો. તેમણે રામભક્તોને વિશ્વાસ અપાવતા કહ્યું કે- જ્યારે SITનો અંતિમ રિપોર્ટ આવશે, ત્યારે હું દરેક મુદ્દા પર ક્રમબદ્ધ રીતે જવાબ આપીશ. સત્ય ચોક્કસપણે સામે આવશે અને દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે.

મારું જીવન ખુલ્લી કિતાબ છે- ચંપત રાય

પોતાની જીવનશૈલી અને કાર્યપ્રણાલી વિશે વાત કરતા ચંપત રાયે ખૂબ જ ભાવુક શબ્દોમાં લખ્યું છે કે- હું ઓક્ટોબર 1991થી સંગઠન દ્વારા અયોધ્યામાં સેવા કરવા માટે મોકલાયો હતો. મારા પ્રચારક તરીકેના જીવનના 45 વર્ષો આ દેશને સમર્પિત છે. હું જ્યાં પણ રહ્યો છું, મારું જીવન એક ખુલ્લી કિતાબ જેવું રહ્યું છે. મારા પર જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે, તેનાથી હું વિચલિત નથી.

ભક્તોને શાંતિ જાળવવા અપીલ

આ પત્ર દ્વારા તેમણે દેશભરના રામભક્તોને અપીલ કરી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે. તેમણે દરેકને આદરપૂર્વક નમન કરીને પોતાની નિર્દોષતા અને કાયદાકીય પ્રક્રિયા પરના વિશ્વાસનો પુનરોચ્ચાર કર્યો છે.