Central Govt Employees Pension Rules: કેન્દ્ર સરકારે 33.9 લાખ પેન્શનરો અને 36.5 લાખ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયના વ્યય વિભાગ (Department of Expenditure) દ્વારા જારી કરાયેલા નવા નિર્દેશો અનુસાર, હવે નિવૃત્તિ (Retirement) ના ચાર વર્ષ પહેલાં જ કર્મચારીઓના સર્વિસ રેકોર્ડ, પગાર નિર્ધાર અને પેન્શનની વિગતોની ચકાસણી કરવી તમામ વિભાગો માટે ફરજિયાત રહેશે. કેન્દ્રના આ નિર્ણયથી આશરે 70 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે.
રિકવરી અને કાનૂની વિવાદો અટકાવવા કડક નિયમો
કેન્દ્ર સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય નિવૃત્તિ સમયે કર્મચારીઓ પાસેથી અચાનક કરવામાં આવતી આર્થિક રિકવરી અને કાનૂની વિવાદો પર લગામ લગાવવાનો છે. આ નિર્ણયનું કડકપણે પાલન થાય અને ભૂલની કોઈ શક્યતા ન રહે તે માટે જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે.
નવા નિયમો હેઠળ, કર્મચારીઓની બઢતી (Promotion), ઈન્ક્રીમેન્ટ અથવા ACP/MACP બાદ જારી કરાયેલા પે-ફિક્સેશન આદેશોનું વેરિફિકેશન હવે 3 મહિનાની અંદર અથવા તે જ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવું ફરજિયાત રહેશે.
ભૂલ જણાશે તો અધિકારીઓ પાસેથી વસૂલાશે નાણાં
જો તપાસ પ્રક્રિયામાં કે પે-ફિક્સેશનમાં કોઈ ભૂલ જણાશે અથવા નાણાકીય નુકસાન થશે, તો સંબંધિત મંજૂરી આપનાર અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવશે. આ ઉપરાંત તેમના ખિસ્સામાંથી જ તેની ભરપાઈ કરવામાં આવશે.
ચકાસણી માટેના મુખ્ય નિયમો:
- રિકવરી પર પ્રતિબંધ: પે એન્ડ એકાઉન્ટ ઓફિસ (Pay & Accounts Office) માંથી વેરિફિકેશન સર્ટિફિકેટ જારી થઈ ગયા પછી કર્મચારી પાસેથી કોઈ પણ પ્રકારની વસૂલાત કરી શકાશે નહીં.
- અધિકારીઓ પાસેથી ભરપાઈ: સર્ટિફિકેટ જારી થયા બાદ પણ જો પે-ફિક્સેશનમાં ગડબડ જણાશે, તો થયેલા નુકસાનની ભરપાઈ મંજૂરી આપનાર અધિકારી પાસેથી કરવામાં આવશે.
- નિયમિત ઓડિટ: પેન્શન માટે કર્મચારીના સર્વિસ પિરિયડનું સમયાંતરે ઓડિટ થતું રહેશે.
CAG રિપોર્ટ મુજબ પેન્શન ખર્ચમાં 12.3% નો વધારો
ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2025 માં કેન્દ્ર સરકારનો કુલ પેન્શન ખર્ચ 12.3 % વધીને રૂ. 3.46 લાખ કરોડ પહોંચી ગયો છે. જેમાં સંરક્ષણ પેન્શનનો હિસ્સો 45.57% અને સિવિલ પેન્શનનો હિસ્સો 33.57% રહ્યો છે.
