Census 2027 Scam Alert: દેશમાં વસ્તી ગણતરીની પ્રક્રિયાનો ઓનલાઈન તબક્કો સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે. હાલમાં નાગરિકો પોતાની વિગતો ઓનલાઈન સબમિટ કરી શકે છે, જ્યારે ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા 1 મે થી શરૂ થવાની છે. જોકે, આ પ્રક્રિયાની આડમાં સાયબર ગઠિયાઓ સક્રિય થયા હોવાના અહેવાલો મળતા કેન્દ્ર સરકારે કડક ચેતવણી જારી કરી છે.
વસ્તી ગણતરીના નામે નાણાકીય માહિતીની માંગ ગેરકાયદે
કેન્દ્ર સરકાર અને વસ્તી ગણતરી નિયામક કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વસ્તી ગણતરી અધિકારીઓ કે ગણતરીકારો પાસે નાગરિકોની નાણાકીય માહિતી માંગવાનો કોઈ અધિકાર નથી. વસ્તી ગણતરી માટે આવનાર કોઈપણ કર્મચારી નીચે મુજબની વિગતો માંગી શકશે નહીં:
- નાણાકીય વિગતો: બેંક ખાતા નંબર, પાસબુકની વિગત, એટીએમ (ATM) કે ક્રેડિટ કાર્ડ નંબર.
- સુરક્ષા કોડ: UPI પિન (PIN) અથવા વન-ટાઇમ પાસવર્ડ (OTP).
- આવક અને મિલકત: માસિક કે વાર્ષિક આવક, બેંક બેલેન્સ, રોકાણની વિગત અથવા ઘરેણાંની માહિતી.
- દસ્તાવેજો: આધાર કાર્ડ કે પાન (PAN) કાર્ડ નંબર સબમિટ કરવાની ફરજ પાડી શકાશે નહીં.
છેતરપિંડી કરનારાઓને કેવી રીતે ઓળખશો?
નકલી ગણતરીકારો સામાન્ય રીતે સત્તાવાર ઓળખપત્ર (ID Card) બતાવવામાં આનાકાની કરશે. તેઓ સરકારી એપને બદલે કાગળ, અંગત ડાયરી કે અજાણી થર્ડ-પાર્ટી એપ્લિકેશનમાં વિગતો નોંધવાનો પ્રયાસ કરશે. વધુમાં, તેઓ બિનજરૂરી ઉતાવળ કરીને તમારા પર દબાણ લાવશે અથવા વોટ્સએપ (WhatsApp) પર શંકાસ્પદ લિંક કે APK ફાઈલ મોકલી શકે છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- તમારા ઘરે આવનાર ગણતરીકારનું સત્તાવાર ઓળખપત્ર અચૂક તપાસો.
- કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં કે અજાણી એપ ડાઉનલોડ કરશો નહીં.
- વસ્તી ગણતરીમાં માત્ર 33 માનક પ્રશ્નો જ પૂછવામાં આવે છે.
- જો કોઈ છેતરપિંડીનો પ્રયાસ કરે, તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન નંબર પર જાણ કરો અથવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરો.
