CEC Gyanesh Kumar: ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અને પંચની અંદર આંતરિક મતભેદો હોવાના મીડિયા અહેવાલો બાદ રાજકારણ ગરમાયું હતું. આ તમામ ઘટનાક્રમ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને અન્ય ચૂંટણી આયુતોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે એક વિસ્તૃત સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવ્યું છે.
આંતરિક ચર્ચા અને પંચનો સત્તાવાર જવાબ
તાજેતરમાં મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી પંચના અન્ય બે કમિશનરોએ SIR પ્રક્રિયા, ડેટા મેનેજમેન્ટ અને ફોર્મ-6ના નિયમોને લઈને કેટલાક મુદ્દાઓ પર વાંધાઓ નોંધાવ્યા હતા. આ અંગે વિપક્ષી પક્ષો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આ અંગે પંચે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કોઈપણ લોકશાહી અને સ્વાયત્ત સંસ્થામાં નિર્ણયો લેતા પહેલા આંતરિક ચર્ચા-વિચારણા, મંતવ્યો રજૂ કરવા અને સૂચનો આપવા એ સામાન્ય પ્રક્રિયાનો એક હિસ્સો છે. પંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે SIR અને ટેક્નોલોજી સાથે જોડાયેલા તમામ અંતિમ નિર્ણયો ત્રણેય આયુતોની પૂર્ણ સહમતિ અને વિચારણા બાદ જ લેવામાં આવ્યા છે.
ફોર્મ-6 અને ડિક્લેરેશન પર સ્થિતિ સ્પષ્ટ
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે SIR અભિયાન દરમિયાન નવા મતદારોની નોંધણી માટે વપરાતા ફોર્મ-6 સાથે જે ડિક્લેરેશન (ઘોષણાપત્ર) જોડવામાં આવ્યું છે, તેને સર્વોચ્ચ અદાલત (Supreme Court) દ્વારા અગાઉ જ યોગ્ય અને માન્ય ઠેરવવામાં આવ્યું છે.
આ સાથે જ પંચે રાહત આપતા જણાવ્યું છે કે SIR અંતર્ગત જે પણ નાગરિકોને નોટિસ ફટકારવામાં આવી છે, તેમને સામાન્ય સંજોગોમાં વ્યક્તિગત રૂપે હાજર રહેવાની કોઈ જરૂર નથી, સિવાય કે કોઈ વિશેષ કેસ હોય.
વિવિધ રાજ્યો માટે સમય-સીમામાં વધારો
વિવિધ રાજ્યોના મુખ્ય નિર્વાચન અધિકારીઓ તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે દાવા અને વાંધાઓ રજૂ કરવાની તારીખો લંબાવી દીધી છે-
દિલ્હી: દિલ્હી રાજ્ય માટે દાવા-વાંધા દાખલ કરવાની અંતિમ તારીખ વધારીને 30 ઓક્ટોબર 2026 કરવામાં આવી છે, જ્યારે તેના નિકાલ માટેની તારીખ 30 નવેમ્બર 2026 નક્કી કરાઈ છે.
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં દાવા અને વાંધાઓ રજૂ કરવાની સમય-સીમા 12 ઓક્ટોબર 2026 સુધી લંબાવવામાં આવી છે અને તેના નિકાલની તારીખ 10 નવેમ્બર 2026 રહેશે.
આ પગલાં પાછળ પંચનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈપણ પાત્ર મતદારનું નામ યાદીમાંથી વગર કારણે ન છૂટી જાય અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે.
