Delhi Police Video: સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદો અને ચર્ચાઓ જાગતી હોય છે, પરંતુ જ્યારે કાયદાના રક્ષક ગણાતી પોલીસનો કોઈ વિડિયો વાયરલ થાય ત્યારે તે ગંભીર સવાલો ઊભા કરે છે. તાજેતરમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર દિલ્હી પોલીસના એક ઉચ્ચ અધિકારીનો વિડિયો શેર કર્યો છે, જેણે ભારે ખળભળાટ મચાવી દીધો છે.
શું છે વાયરલ વિડિયોનો મામલો?
અભિજિત દીપકે દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં દિલ્હી પોલીસના તત્કાલીન ડીસીપી (DCP) એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા છે. આ પરિષદ દરમિયાન કુખ્યાત અને જેલમાં બંધ ગૅંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વિશે વાત કરતી વખતે અધિકારીના મોંમાંથી બિશ્નોઈના નામ પાછળ 'સાહેબ' શબ્દ નીકળી જાય છે.
એક બાજુ દેશની સુરક્ષા એજન્સીઓ લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ પર શિકંજો કસવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે પોલીસ અધિકારી દ્વારા ગૅંગસ્ટર માટે 'સાહેબ' જેવા સન્માનજનક શબ્દના ઉપયોગે ભારે વિવાદ ઊભો કર્યો છે.
અભિજિત દીપકેના પોલીસ પર તીખા પ્રહારો
વિડિયો પોસ્ટ કરતાની સાથે જ અભિજિત દીપકેએ દિલ્હી પોલીસ અને સરકારની કાર્યશૈલી તેમજ પ્રાથમિકતાઓ પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો મૂક્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં મુખ્યત્વે કેટલાંક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. દીપકેએ લખ્યું કે-જે પ્રકારનું આદર અને સન્માન દિલ્હી પોલીસ એક કુખ્યાત ગૅંગસ્ટર પ્રત્યે દર્શાવી રહી છે, જો એ સન્માનનો માત્ર 10 ટકા હિસ્સો પણ દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હોત, તો આજે દેશમાં આટલી વિષમ પરિસ્થિતિઓ સર્જાઈ ન હોત.
દીપકેએ વધુમાં ઉમેર્યું કે દેશના વિદ્યાર્થીઓ કે યુવા કાર્યકર્તાઓ કોઈ ગુનો નથી કરી રહ્યા. તેઓ માત્ર પોતાની વ્યાજબી માગણીઓ અને હકો માટે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે. છતાં પણ તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તેમના પર લાઠીચાર્જ કે કાર્યવાહી થાય છે.
દીપકેએ પોતાની બીજી પોસ્ટમાં આકરા શબ્દોમાં જણાવ્યું કે જો પોલીસ અને પ્રશાસન પોતાનો સમય અને શક્તિ આંદોલનકારી વિદ્યાર્થીઓ પર વેડફવાને બદલે વાસ્તવિક અસામાજિક તત્વો અને ગુનેગારો પર ધ્યાન કેન્દ્રિત કરે, તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ઘણી સુધરી શકે. પરંતુ અફસોસની વાત એ છે કે પ્રશાસનની પ્રાથમિકતાઓ જ બદલાઈ ગઈ છે.
દિલ્હી પોલીસનો ખુલાસો
વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અને ચારેય બાજુથી ટીકાઓ શરૂ થતાં દિલ્હી પોલીસ હરકતમાં આવી હતી અને સત્તાવાર સ્પષ્ટતા જારી કરી હતી. પોલીસે જણાવ્યું કે આ વિડિયો હાલનો નથી પરંતુ જૂનો છે અને વર્તમાન પરિસ્થિતિ કે કોઈ તાજેતરના ઘટનાક્રમ સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેથી આ બાબતને બિનજરૂરી તૂલ ન આપવું જોઈએ.
ગૅંગસ્ટરને 'સાહેબ' કહેવા અંગે પોલીસે સ્પષ્ટતા કરી કે એ કોઈ આદર આપવાનો હેતુ નહોતો, પરંતુ વાતચીત દરમિયાન માત્ર 'સ્લિપ ઓફ ટંગ'ના કારણે ભૂલથી એ શબ્દ બોલાઈ ગયો હતો.
પોલીસે એ પણ માહિતી આપી હતી કે વિડિયોમાં દેખાતા અધિકારી તે સમયે ડીસીપી તરીકે તૈનાત હતા, પરંતુ હાલમાં તેઓ બઢતી મેળવીને એડિશનલ પોલીસ કમિશનરના હોદ્દા પર સેવા આપી રહ્યા છે.
