BRICS Summit 2026: એક તરફ પુતિન, બીજી તરફ જિનપિંગ અને વચમાં PM મોદી: BRICS સમિટના બીજા દિવસે સામે આવી ઐતિહાસિક 'ફેમિલી ફોટો'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મધ્યસ્થતા અને ભારતની મજબૂત કૂટનીતિના પરિણામે, જૂથના 11 દેશોએ અગાઉના મતભેદો બાજુ પર મૂકીને 'નવી દિલ્હી ઘોષણાપત્ર 2026' સર્વસંમતિથી અપનાવ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 13 Sep 2026 12:44 PM (IST)Updated: Sun, 13 Sep 2026 12:44 PM (IST)
brics-summit-2026-new-delhi-declaration-adopted-pm-modi-middle-east-peace
બ્રિક્સ સમિટ 2026

BRICS Summit 2026: ભારતની યજમાની હેઠળ યોજાયેલી 18મી બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં એક ઐતિહાસિક રાજદ્વારી સફળતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મધ્યસ્થતા અને ભારતની મજબૂત કૂટનીતિના પરિણામે, જૂથના 11 દેશોએ અગાઉના મતભેદો બાજુ પર મૂકીને 'નવી દિલ્હી ઘોષણાપત્ર 2026' સર્વસંમતિથી અપનાવ્યું છે. આ સંયુક્ત નિવેદનમાં મધ્ય પૂર્વમાં શાંતિની અપીલ સાથે આતંકવાદ સામે સખત વલણ અપનાવવામાં આવ્યું છે.

બ્રિક્સ દેશોનો 'ફેમિલી ફોટો' અને સંયુક્ત સંદેશ

સમિટના બીજા દિવસે તમામ વૈશ્વિક નેતાઓની હાજરીમાં એક ભવ્ય 'ફેમિલી ફોટો' લેવામાં આવ્યો હતો. આ ખાસ ક્ષણે કેમેરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રસ્થાને ઊભેલા જોવા મળ્યા હતા, જ્યારે તેમની આસપાસ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાન સહિતના અન્ય સભ્ય દેશોના નેતાઓ ઉપસ્થિત હતા.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સમિટ દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે, "મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાયના સહિયારા હિતો સાથે બિલકુલ સુસંગત નથી."

ભારતની સફળ રાજદ્વારી કૂટનીતિ

નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા સૈન્ય હુમલા બાદ ઈરાન, સાઉદી અરેબિયા અને UAE વચ્ચે તણાવ વધી ગયો હતો. જેના કારણે મે મહિનામાં નવી દિલ્હીમાં યોજાયેલી વિદેશ મંત્રીઓની બેઠકમાં સંયુક્ત નિવેદન પર સહમતી બની શકી નહોતી. જોકે, યજમાન દેશ તરીકે ભારતે સઘન રાજદ્વારી પ્રયાસો હાથ ધરીને તમામ દેશોને એક મંચ પર લાવવામાં સફળતા મેળવી છે.

સંયુક્ત ઘોષણાપત્રમાં જણાવાયું છે કે, "અમે મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ." તમામ દેશોને મહત્તમ સંયમ રાખવા અને પરિસ્થિતિ વધુ ન બગાડવા અપીલ કરવામાં આવી છે.

આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ: PM મોદી

સર્વસંમતિની જાહેરાત કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, "કોઈપણ સભ્યએ આ પ્રસ્તાવ પર વાંધો ઉઠાવ્યો નથી અને 'નવી દિલ્હી ઘોષણાપત્ર 2026' સર્વસંમતિથી અપનાવાયું છે."

વૈશ્વિક સુરક્ષા પર ભાર મૂકતા દસ્તાવેજમાં સરહદ પારની આતંકવાદી પ્રવૃત્તિઓ, આતંકવાદી ધિરાણ અને આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનોની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. બ્રિક્સ દેશોએ દરેક પ્રકારના આતંકવાદ સામે એકજૂટ થઈને લડવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે.