BMC Mayor Updates: મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના નવા મેયર પદને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. મહાયુતિ ગઠબંધનની મોટી જીત બાદ હવે મેયર પદ કોના ફાળે જશે તેને લઈને સસ્પેન્સ વધી રહ્યું છે. હાલમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) માં ભાગ લેવા માટે દાવોસ ગયા હોવાથી મેયર પદ અંગેની અંતિમ ચર્ચા હાલ પૂરતી અટકી ગઈ છે.
22 જાન્યુઆરીએ નક્કી થશે મેયર પદ
મુંબઈના મેયર પદની પસંદગી માટે સૌથી મહત્વનું પગલું 22 જાન્યુઆરીએ લેવામાં આવશે. અહેવાલો અનુસાર આ દિવસે લોટરી કાઢવામાં આવશે, જેનાથી નક્કી થશે કે મેયર પદ કઈ કેટેગરી માટે અનામત રહેશે. આ લોટરીમાં નક્કી થશે કે પદ જનરલ કેટેગરી (Open) માટે રહેશે કે પછી SC/ST, OBC અથવા મહિલાઓ માટે આરક્ષિત હશે.
ચૂંટણી પ્રક્રિયા જાન્યુઆરીના અંત સુધી ખેંચાઈ શકે છે
લોટરીના પરિણામો આવ્યા બાદ 23 જાન્યુઆરી સુધીમાં સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. નિયમ મુજબ મેયરની ચૂંટણી માટે સાત દિવસની નોટિસ આપવી અનિવાર્ય છે. આ ગણતરી મુજબ મુંબઈના નવા મેયરની ચૂંટણી 29 થી 31 જાન્યુઆરીની વચ્ચે યોજાય તેવી શક્યતા છે.
દેવેન્દ્ર ફડણવીસની વાપસી બાદ લેવાશે અંતિમ નિર્ણય
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં છે અને તેઓ 24 જાન્યુઆરીએ પરત ફરશે. ભાજપ અને શિંદે સેના વચ્ચે મેયર પદની વહેંચણી અને ઉમેદવારના નામ પર અંતિમ મહોર ફડણવીસના આવ્યા બાદ જ લાગશે. ત્યાં સુધી મહાયુતિના નેતાઓ વચ્ચે આંતરિક મંથન ચાલુ રહેશે.
