BMC Elections 2026: 'ભાષા થોપશો તો લાત મારીને કાઢી મૂકીશ', રાજ ઠાકરેનો UP-બિહારના લોકોને કડક સંદેશ; મુંબઈમાં ગરમાયું રાજકારણ

રવિવારે આયોજિત એક સંયુક્ત રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેએ ફરી એકવાર તેમના પરિચિત આક્રમક અંદાજમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને ચેતવણી આપી હતી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 12 Jan 2026 10:57 AM (IST)Updated: Mon, 12 Jan 2026 10:57 AM (IST)
bmc-elections-2026-raj-thackeray-warns-against-hindi-imposition

Raj Thackeray, BMC Elections 2026: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રવિવારે આયોજિત એક સંયુક્ત રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેએ ફરી એકવાર તેમના પરિચિત આક્રમક અંદાજમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને ચેતવણી આપી હતી. પોતાના પિતરાઈ ભાઈ અને શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે સાથે મંચ પરથી સંબોધન કરતા રાજે 'મરાઠી અસ્મિતા' અને હિન્દી ભાષાના મુદ્દે વિવાદિત નિવેદનો કર્યા હતા.

હિન્દી તમારી ભાષા નથી

મીડિયા અહેવાલો અનુસાર, રાજ ઠાકરેએ પરપ્રાંતીયો પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'UP અને બિહારના લોકોએ એ સમજવું પડશે કે હિન્દી તમારી ભાષા નથી. મને કોઈ ભાષા પ્રત્યે નફરત નથી, પરંતુ જો તમે તેને અમારા પર બળજબરીથી લાદવાનો પ્રયાસ કરશો, તો હું તમને લાત મારીને બહાર કાઢી મૂકીશ.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બહારના રાજ્યોમાંથી લોકો મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે અને સ્થાનિકોનો હિસ્સો છીનવી રહ્યા છે. 'જો તમારી જમીન અને ભાષા જતી રહેશે, તો તમારું અસ્તિત્વ ખતમ થઈ જશે,' તેમ રાજે ચેતવણી આપી હતી.

મરાઠી લોકો માટે 'છેલ્લી તક'

ચૂંટણીના મહત્વને સમજાવતા MNS ચીફે અપીલ કરી હતી કે, 'મરાઠી લોકો માટે આ છેલ્લી ચૂંટણી સમાન છે. મુંબઈ ઘણા લોકોના બલિદાન બાદ મળી છે, આપણે તેમને શું જવાબ આપીશું? જો અત્યારે એક નહીં થાઓ તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવશે.' ઉલ્લેખનીય છે કે BMC ચૂંટણી માટે 15 જાન્યુઆરીના રોજ મતદાન યોજાવાનું છે.

બોગસ વોટરોને બહાર ફેંકો

પક્ષના કાર્યકરો અને બૂથ લેવલ એજન્ટ્સ (BLA) ને સતર્ક રહેવા જણાવતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે, 'સવારે 6 વાગ્યાથી જ મોરચો સંભાળી લેજો. સાવધાન રહો અને બેદરકારી ન રાખતા. જો કોઈ વ્યક્તિ બોગસ વોટિંગ કરવા આવે તો તેને પકડીને બહાર ફેંકી દો.'