Punjab Assembly Election 2027: પંજાબમાં 2027 ની વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો ઉલટફેર સામે આવ્યો છે. બીજેપી અને અકાલી દળે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત પહેલા બીજેપી હેડક્વાટર ખાતે ગૃહમંત્રી અમિત શાહ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને પાર્ટીના અન્ય વરીષ્ઠ નેતાઓએ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલનું સ્વાગત કર્યું હતું. હવે ગૃહમંત્રી અમિત શાહે સત્તાવાર રીતે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે.
1 મહિનાથી બન્ને પાર્ટીઓ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી
નોંધનિય છે કે, છેલ્લા 1 મહિનાથી બન્ને પાર્ટીઓ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી. જે બાદ હવે જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સીટ શેરીંગને લઈને પણ સ્પષ્ટતા થઈ ગઈ હોવાની વાત સામે આવી છે. જે અંતર્ગત 117 વિધાનસભા સીટોમાંથી બીજેપી 48થી 55 બેઠકો પર ચૂંટણી લડી શકે છે જ્યારે અકાલી દળ બાકીની સીટો પર લડી શકે છે. આ પહેલા સુખબીર સિંહ બાદલ અને પીએમ મોદી વચ્ચે પણ મુલાકાત થઈ હતી.
શું બોલ્યા અમિત શાહ?
ગઠબંધનની જાહેરાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, અકાલી દળ NDA ગઠબંધનની સૌથી જુની પાર્ટી છે. હવે તે ફરી NDA માં આવી ગઈ છે. આ ગઠબંધનને લઈ બીજેપી અધ્યક્ષ અને શુખબીર બાદલ વચ્ચે બેઠક થઈ હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, બન્ને પાર્ટીઓ પંજાબમાં સાથે ચૂંટણી લડશે.
શું બોલ્યા સુખબીર બાદલ?
તો આ ગઠબંધનના અવસરે સુખબીર સિંહ બાદલે કહ્યું કે, પંજાબની હાલત એવી છે કે તેને બચાવવાની જરુર છે. પહેલા પંજાબને કોંગ્રેસ બરબાદ કર્યું હવે આમ આદમી પાર્ટી બરબાદ કરી રહી છે. આજે સરકાર જેવી કોઈ વસ્તુ પંજાબમાં દેખાતી નથી.
બીજેપી અધ્યક્ષ નીતિન નવિને શું કહ્યું?
અકલી દળ સાથેના ગઠબંધનને લઈ બીજેપી અધ્યક્ષ નીતિન નવિને જણાવ્યું કે, આજે પંજાબ અને દેશના હિતમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, હુ ગુરુ ગોવિંદ સિંહની ધરતી પરથી આવું છું અને સુખબીર સિંહ બાદલ એનડીએમાં સામેલ થવાથી ગઠબંધનની તાકાત વધી છે. બન્ને પાર્ટી મળીને પંજાબના વિકાસને નવી ઉંચાઈએ લઈ જશે. આ ઉપરાંત તેમણે પંજાબને નશામુક્ત કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
