Bisleri Water Unsafe: પ્રવાસ દરમિયાન હોય કે બહાર ફરવા ગયા હોઈએ, તરસ લાગે ત્યારે મોટાભાગના લોકો કોઈ પણ ખચકાટ વગર 'શુદ્ધ અને સુરક્ષિત' માનીને બિસલેરી જેવી જાણીતી બ્રાન્ડની પાણીની બોટલ ખરીદતા હોય છે. પરંતુ, તાજેતરમાં સામે આવેલા એક અહેવાલે ગ્રાહકોની આ માન્યતા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. પીટીઆઈ (PTI)ના અહેવાલ મુજબ, ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ રવિવારે બિસલેરી ઈન્ટરનેશનલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી એટલે કે મુકદ્દમો ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
તપાસમાં શું સામે આવ્યું?
FSSAI દ્વારા કરવામાં આવેલી તપાસમાં બિસલેરી ઈન્ટરનેશનલના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (પેકેજ્ડ પીવાના પાણી) ના નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી. આ પરીક્ષણ દરમિયાન પાણીના નમૂનામાં નિયત મર્યાદા કરતા વધુ પ્રમાણમાં બ્રોમેટ (Bromate) અને પોલીન્યૂક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન્સ (Polycyclic Aromatic Hydrocarbons) જેવા તત્વો મળી આવ્યા હતા. નિયામક સંસ્થાએ આ સ્થિતિને ગંભીર ગણીને પાણીના નમૂનાને 'અસુરક્ષિત' જાહેર કર્યો છે.
કયા કાયદા હેઠળ કાર્યવાહીની મંજૂરી?
નિશ્ચિત ધોરણો કરતાં વધુ હાનિકારક કેમિકલ મળી આવવાના મામલે FSSAI એ ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ, 2006 (Food Safety and Standards Act, 2006) હેઠળ બિસલેરી ઈન્ટરનેશનલ સામે અભિયોજન (Prosecution) એટલે કે કોર્ટમાં કેસ ચલાવવાની મંજૂરી આપી છે.
સમગ્ર બેવરેજ ઉદ્યોગ પર FSSAIની કડક નજર
આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે FSSAI દેશભરની બેવરેજ કંપનીઓની કામગીરી અને ઉત્પાદનોની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. આ તપાસ અને નિયમનકારી કાર્યવાહીના દાયરામાં માત્ર પેકેજ્ડ પાણી જ નહીં, પરંતુ 'એનર્જી ડ્રિંક' તરીકેના વર્ગીકરણને લઈને રેડ બુલ સહિતની કંપનીઓ સાથે ચાલી રહેલો વિવાદ પણ સામેલ છે.
'એનર્જી ડ્રિંક' લેબલ પર શું છે વાંધો?
અગાઉ જૂન મહિનામાં FSSAI એ કેટલાક પીણાં પર 'એનર્જી ડ્રિંક' ના લેબલના ઉપયોગ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. નિયામક સંસ્થાની દલીલ છે કે અમુક પીણાંમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આવા સંજોગોમાં જો તેમને 'એનર્જી ડ્રિંક' તરીકે દર્શાવવામાં આવે તો ગ્રાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે અને પરિણામે તેઓ આવા પીણાંનું વધુ પડતું સેવન કરી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી.
કંપનીઓ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી
FSSAIના આ પ્રતિબંધ અને લેબલ અંગેના આદેશ સામે રેડ બુલ, પેપ્સિકો, મોન્સ્ટર બેવરેજ અને રિલાયન્સ કન્ઝ્યુમર જેવી મોટી કંપનીઓએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો છે. આ કંપનીઓની મુખ્ય દલીલ એ છે કે આ પ્રતિબંધો કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના લાગુ કરવામાં આવ્યા હતા.
રેડ બુલને કોર્ટની રાહત અને FSSAIનો વિરોધ
આ મામલે રેડ બુલને કોર્ટ તરફથી 'સ્ટે' મળ્યો છે, જેના કારણે હાલ પૂરતું તેને પોતાના ઉત્પાદન પર એનર્જી ડ્રિંકનું લેબલ જાળવી રાખવાની મંજૂરી મળી છે. બીજી તરફ, અન્ય કંપનીઓને એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાનો હાલનો સ્ટોક પૂરો થયા બાદ આ પ્રકારના વર્ગીકરણનો ઉપયોગ બંધ કરી દે.
જોકે, રેડ બુલને મળેલી આ રાહત સામે FSSAI એ વાંધો ઉઠાવીને તેને પડકારી છે. FSSAIનું માનવું છે કે આ પ્રકારની છૂટથી રેડ બુલને તેના હરીફોની સરખામણીમાં અયોગ્ય વ્યાવસાયિક લાભ (Unfair commercial advantage) મળે છે. આ સમગ્ર મામલાની આગામી સુનાવણી જાન્યુઆરી મહિનામાં થવાની છે.
