ઈન્સ્યોરન્સ કંપની ક્લેમ પાસ નથી કરતી? જાણો 'બીમા ભરોસા' પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કરવાની સરળ રીત

વીમા કંપની ક્લેમ આપવામાં વિલંબ કરે છે? IRDAI ના 'બીમા ભરોસા' પોર્ટલ અને ટોલ ફ્રી નંબર દ્વારા તમારી ફરિયાદ નોંધાવો અને 14 દિવસમાં ઉકેલ મેળવો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 14 Aug 2026 11:12 PM (IST)Updated: Fri, 14 Aug 2026 11:12 PM (IST)
bima-bharosa-portal-resolve-insurance-claims-faster-with-irdai

Bima Bharosa Portal: જ્યારે પરિવાર કે સ્વાસ્થ્ય પર કોઈ મુશ્કેલી આવે ત્યારે વીમો (Insurance) આર્થિક સહારો બને છે. પરંતુ ઘણીવાર ઈન્સ્યોરન્સ કંપનીઓ ક્લેમ પાસ કરવામાં બહાનાબાજી કરે છે અથવા ગ્રાહકની રજૂઆત સાંભળતી નથી. જો તમારી સાથે પણ આવું બની રહ્યું હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર અને IRDAI દ્વારા બનાવવામાં આવેલા 'બીમા ભરોસા' (Bima Bharosa Portal) દ્વારા તમે તમારી ફરિયાદનું ઝડપી અને પારદર્શક નિવારણ મેળવી શકો છો.

'બીમા ભરોસા' પોર્ટલ શું છે અને કેવી રીતે કામ કરે છે?

ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) દ્વારા આ પોર્ટલ સંચાલિત કરવામાં આવે છે. વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને તમામ ઈન્સ્યોરન્સ કંપનીઓને આ પોર્ટલ સાથે જોડી દેવામાં આવી છે.

લાઈવ ટ્રેકિંગ: તમે પોર્ટલ પર જે ફરિયાદ નોંધાવો છો, તેનું સ્ટેટસ ઘરે બેઠા જોઈ શકો છો કે કંપની તમારી અરજી પર શું કાર્યવાહી કરી રહી છે.

IRDAIની સીધી નજર: આ પોર્ટલ પર આવતી દરેક ફરિયાદ પર દેશની વીમા નિયામક સંસ્થા (IRDAI) પોતે સીધી નજર રાખે છે.

ફરિયાદ નોંધાવવાના અલગ-અલગ રસ્તાઓ

કેન્દ્રીય નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) મુજબ જો કંપની નક્કી કરે સમયમાં ઉકેલ ન આપે, તો ગ્રાહક અલગ અલગ માધ્યમોથી 'ગ્રીવાન્સ રિડ્રેસલ સેલ' (Grievance Redressal Cell)નો સંપર્ક કરી શકે છે, જે અંતર્ગત

ટોલ ફ્રી નંબર: ગ્રાહકો 155255 અથવા 18004254732 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવી શકે છે.

12 ભાષાઓમાં સહાય: દેશના કોઈ પણ ખૂણામાંથી આવતા નાગરિકો પોતાની માતૃભાષામાં વાત કરી શકે તે માટે કૉલ સેન્ટર 12 પ્રાદેશિક ભાષાઓમાં સેવા આપે છે.

ઈ-મેઈલ અને પોર્ટલ: ગ્રાહક ઈમેઈલ દ્વારા કે બીમા ભરોસા પોર્ટલ પર લોગિન કરીને ડિજિટલ રીતે પણ પોતાની રજૂઆત મોકલી શકે છે.

કંપનીઓ માટે 14 દિવસનો કડક નિયમ

નાણાકીય સેવાઓ વિભાગ (DFS) સ્પષ્ટ કર્યું છે કે IRDAIના નિયમો અનુસાર દરેક ઈન્સ્યોરન્સ કંપનીએ ગ્રાહકની ફરિયાદ મળ્યાના 14 દિવસની અંદર તેનો ઉકેલ લાવવો ફરજિયાત છે.આ ઉપરાંત દરેક કંપનીમાં એક ખાસ ગ્રીવાન્સ ઓફિસરની નિમણૂક જરૂરી છે, જે ગ્રાહક અને કંપની વચ્ચે કડીરૂપ કામ કરશે. અને ક્લેમ સમયસર પાસ થાય તે માટે દરેક કંપનીમાં એક ખાસ સમિતિ કામ કરે છે.

આગામી સમયમાં ગ્રાહકોને શું ફાયદો થશે?

આ વર્ષના અંત સુધીમાં આ પોર્ટલ પૂર્ણરૂપે લોન્ચ થશે. અહીં ગ્રાહકો હેલ્થ, લાઈફ અને જનરલ ઈન્સ્યોરન્સની તમામ પોલિસી એક જ જગ્યાએ સરખાવી શકશે અને ખરીદી શકશે.વીમા ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી મળ્યા બાદ નવી કંપનીઓ આવશે, જેનાથી સ્પર્ધા વધશે અને ગ્રાહકોને સસ્તા દરે વધુ સારી સેવાઓ મળશે.

ગયા નાણાકીય વર્ષ (2025-26)માં આવેલી ફરિયાદોનો આંકડો

લાઈફ ઈન્સ્યોરન્સ: 1,19,027 ફરિયાદો

જનરલ ઈન્સ્યોરન્સ: 1,18,429 ફરિયાદો

હેલ્થ ઈન્સ્યોરન્સ: 64,171 ફરિયાદો