પટના.
Bihar Politics: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને મહાગઠબંધન સરકારમાં સામેલ હિન્દુસ્તાન અવામ મોર્ચાના અધ્યક્ષ જીતન રામ માંઝીએ (Jitan Ram Manjhi on Ram) શુક્રવારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જીતન રામ માંઝીએ રામ કરતાં રાવણને મહાન ગણાવતા રાજકારણ ગરમાયું છે.
જીતન રામ માંઝીએ જણાવ્યું કે, રામ કરતાં રાવણ વધારે મહાન હતા. રામાયણ કાલ્પનિક છે. રામ અને રાવણ બન્ને જ કાલ્પનિક છે, પરંતુ આ કાલ્પનિક ગ્રંથમાં પણ રામ કરતાં રાવણ વધારે શ્રેષ્ઠ છે.
અગાઉ પણ જીતન રામ માંઝી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચે તેવા નિવેદનો કરી ચૂક્યાં છે. રામચરિત માનસ અને હનુમાન પર પણ સતત વિવાદિત નિવેદનો આપતા રહ્યાં છે.
બિહાર વિધાનસભા પરિસરમાં પત્રકારો સાથે ચર્ચા કરતાં પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ કહ્યું કે, રામાયણ કાલ્પનિક છે. રામ અને રાવણ બન્ને કાલ્પનિક પાત્રો છે. જો કે કલ્પનાના આધારે જે કહાની છે, તેના આધારે મારું માનવું છે કે, રામથી મહાન રાવણ હતા. રાવણ વધારે કર્મકાંડી હતા.
વધુમાં માંઝીએ જણાવ્યું કે, રામ કરતાં મોટું રાવણનું ચરિત્ર છે. રામ જ્યારે મુસિબતમાં હોય, ત્યારે તેમની મદદ માટે અલૌકિક શક્તિઓ આવતી હતી. જો કે રાવણ માટે કોઈ મદદ નહતી આવતી. તે લોકો રાવણને નીચો દેખાડે છે.
રામચરિત માનસ એક સારું પુસ્તક છે. જેમાં અનેક સારી વાતો લખી છે, પરંતુ મનુવાદી વ્યવસ્થામાં માનનારા લોકોએ તેમાં રામના ગુણગાન ગાયા છે. બાબા સાહેબ આંબેડકર અને રામ મનોહર લોહિયાની વાતોને આધાર આપતા માંઝીએ કહ્યું કે, આ ગ્રંથમાં ઘણો કચરો છે. જેને સાફ કરવાની જરૂર છે.
