Rapido Driver Harassment: બેંગ્લુરુમાં રેપિડોના બાઈક રાઈડરની એક શરમજનક હરકત સામે આવી છે. આ મામલે એક યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને પોતાની આપવીતી જણાવી છે. જ્યારે તે રાઈડ બુક કરાવવા જઈ રહી હતી, ત્યારે રસ્તામાં જ બાઈક ડ્રાઈવરે તેના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગભરાયેલી યુવતીએ આ સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી હતી.
આ અંગે યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકતા જણાવ્યું કે, તે ચર્ચ સ્ટ્રીટથી રેપિડો બાઈક બુક કરાવીને પોતાના પેઈંગ ગેસ્ટ (PG) તરફ જઈ રહી હતી. આ સમયે બાઈક રાઈડરે તેના પગ પકડીને અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે યુવતીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. હાલ તો પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને બાઈક રાઈડરની શોધખોળ શરૂ કરી છે.
યુવતીએ જણાવ્યું કે, આ બધુ એટલું અચાનક થઈ ગયું કે, હું કઈ સમજી જ ના શકી. જ્યારે તેણે ફરીથી અડપલા કરવાનો પ્રયાસ કર્યો, તો મેં તેને કહ્યું કે, ભાઈ શું કરી રહ્યા છો. રહેવા દો. આમ છતાં તે અટક્યો નહતો.
આ ઘટના હું ઈન્સ્ટાગ્રામ પર એટલા માટે શેર કરી રહી છું, કારણ કે બીજી કોઈ યુવતી કે મહિલાને ફરીથી કોઈ કેબ, બાઈક કે સ્થળે આવું સહન ના કરવું પડે. આ પહેલીવાર નથી કે, જ્યારે મારી સાથે આવું કઈક થયું હોય, પરંતુ આજે હું ચુપ નહીં રહું.
જ્યારે હું મારા PG પર પહોંચી, તો એક વ્યક્તિની નજર પડી અને તેણે પુછ્યું પણ ખરું કે, શું થયું. જ્યારે મેં તેમને હકીકત જણાવી, તો બાઈક રાઈડર તેમની સાથે માથાકૂટ કરવા લાગ્યો અને આખરે માફી માંગી કે હવે ફરીથી આવું ક્યારેય નહીં કરે. જો કે જતા-જતાં તેણે મારા તરફ આંગળી ચિંધી હતી. આથી હું ખૂબ જ અનસિક્યોર ફીલ કરી રહી છું.
