Nationwide Bank Strike: યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા આગામી 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જોકે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા પોતાના લાખો ગ્રાહકો માટે વિશેષ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. હડતાળના ત્રણ દિવસ અને તે પહેલા શનિ-રવિની રજા હોવાથી સતત પાંચ દિવસ સુધી બેંકિંગ કામગીરી ખોરવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
SBI ગ્રાહકો માટે ખાસ એડવાઈઝરી જાહેર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ પરિસ્થિતિમાં ગ્રાહકો પાસે સહયોગની માંગ કરવામાં આવી છે. SBI બેંકે ગ્રાહકોને સ્પષ્ટ ચેતવણી આપી કે, એવા તમામ કામો જેમાં બેંક શાખાની પ્રત્યક્ષ મુલાકાત લેવી પડતી હોય અથવા બેંક કર્મચારીઓની સીધી સહાયની જરૂર હોય, તે તમામ કાર્યો હડતાળ શરૂ થાય તે પહેલાં જ પૂર્ણ કરી લેવા જોઈએ.
હડતાળ દરમિયાન વ્યવહાર કેવી રીતે કરશો?
SBI બેંકે વધુમાં જણાવ્યું કે, ગ્રાહકોને હડતાળના સમયગાળા દરમિયાન કોઈપણ અસુવિધા ટાળવા માટે વૈકલ્પિક માધ્યમોનો ઉપયોગ કરવી જોઈએ. રોકડ જરૂરિયાતો પૂરી કરવા માટે નજીકના ATM, ADWM (ઓટોમેટેડ ડિપોઝિટ અને ઉપાડ મશીનો) અને ગ્રાહક સેવા કેન્દ્રો (CSPs) નો ઉપયોગ કરો. રોજિંદા વ્યવહાર, બિલ ચૂકવણી અને નાણાં ટ્રાન્સફર માટે SBI YONO એપ્લિકેશન, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને UPI જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરો.
પાંચ દિવસ બેંકિંગ સેવા બંધ રહેવાની શક્યતા
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર કરવામાં આવેલી હડતાળ ગ્રાહકોને પણ અસુવિધા પહોંચાડી શકે છે. કારણ કે, 26 અને 27 સપ્ટેમ્બર એ શનિવાર-રવિવારની રજા છે. ત્યારબાદ તરત જ 28, 29 અને 30 સપ્ટેમ્બરે ત્રણ દિવસની હડતાળ છે. પરિણામે, સામાન્ય બેંકિંગ કામગીરી સતત પાંચ દિવસ સુધી પ્રભાવિત થઈ શકે છે.
28 થી 30 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રવ્યાપી હડતાળ
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા આગામી 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. હડતાળના દિવસો દરમિયાન ગ્રાહકોને નાણાકીય લેવડદેવડ અને બેંકિંગ સેવાઓમાં અગવડ ન પડે તે માટે SBI દ્વારા અગાઉથી જ આ જરૂરી સૂચનાઓ જાહેર કરીને કામકાજ સમયસર આટોપી લેવાની સલાહ આપવામાં આવી છે.
