પાકિસ્તાનની ઊંઘ હરામ કરનાર એર માર્શલ હવે અયોધ્યામાં! રામ મંદિરના પ્રથમ CEOની પસંદગી પાછળ શું છે મોટો પ્લાન?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને રામ મંદિરના પ્રથમ CEO તરીકે નિયુક્ત કર્યા છે. જાણો તેમની મહત્વપૂર્ણ સૈન્ય સફર વિશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 02 Sep 2026 06:00 PM (IST)Updated: Wed, 02 Sep 2026 06:00 PM (IST)
ayodhya-ram-mandir-gets-first-ceo-air-marshal-jitendra-mishra

Ram Mandir CEO: અયોધ્યા સ્થિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રામ મંદિરના વહીવટ, સુરક્ષા અને વ્યવસ્થાપનને વધુ વ્યાવસાયિક અને મજબૂત બનાવવા માટે ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને રામ મંદિરના સૌથી પહેલા મુખ્ય કારોબારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

બુધવારે યોજાયેલી ટ્રસ્ટની મહત્વની બેઠકમાં તેમના નામના પ્રસ્તાવ પર આખરી મહોર મારવામાં આવી હતી.

5,500થી વધુ અરજીઓ વચ્ચે થઈ કડક પસંદગી

રામ મંદિર ટ્રસ્ટના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે પ્રશાસનિક કમાન માટે CEOની નિમણૂક કરવામાં આવી છે. આ હોદ્દા માટે દેશભરમાંથી 5,585 જેટલી અરજીઓ આવી હતી. યોગ્ય ઉમેદવાર શોધવા માટે એક ઉચ્ચ સ્તરીય સર્ચ કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં:

  • નિવૃત્ત ન્યાયાધીશ પ્રમોદ કોહલી
  • પૂર્વ લેફ્ટનન્ટ જનરલ વી. કે. ચતુર્વેદી
  • પૂર્વ અણુ વિજ્ઞાની ડૉ. સુરેશ હાવડે

આ ત્રણ સભ્યોની કમિટીએ તમામ અરજીઓનું ઊંડું પૃથ્થકરણ કર્યા બાદ 3 શીર્ષ દાવેદારોની શોર્ટલિસ્ટ યાદી ટ્રસ્ટને સોંપી હતી. ટ્રસ્ટે લશ્કરી અનુભવ અને વહીવટી ક્ષમતાને ધ્યાને રાખીને એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

કોણ છે એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા?

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના વતની જિતેન્દ્ર મિશ્રા ડિસેમ્બર 1986માં ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં કમિશન્ડ થયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA), પુણે અને એર ફોર્સ ટેસ્ટ પાયલટ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

એક કુશળ ફાઇટર પાયલટ તરીકે તેમણે 3,000 કલાકથી વધુ સમય ફાઇટર વિમાનો ઉડાડવાનો ગહન અનુભવ મેળવ્યો છે. તેમણે વાયુસેનામાં 'ડેપ્યુટી ચીફ ઓફ ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ઓપરેશન્સ)' જેવી અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવી છે.

'ઓપરેશન સિંદૂર'માં મહત્વની ભૂમિકા

તેઓ જાન્યુઆરી 2025થી વાયુસેનાની 'વેસ્ટર્ન એર કમાન્ડ'ના પ્રમુખ રહ્યા હતા. આ દરમિયાન ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'માં તેમણે પશ્ચિમી મોરચે લશ્કરી કામગીરીનું નેતૃત્વ કર્યું હતું.

સૈન્યમાં તેમની વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ સેવાઓ માટે તેમને 'અતિ વિશિષ્ટ સેવા મેડલ' (AVSM) અને 'વિશિષ્ટ સેવા મેડલ' (VSM)થી નવાજવામાં આવ્યા છે. તેઓ એપ્રિલ ૨૦૨૬માં જ વાયુસેનામાંથી નિવૃત્ત થયા છે.

રામ મંદિરમાં CEO તરીકે શું રહેશે જવાબદારીઓ?

અયોધ્યા આજે વિશ્વનું સૌથી મોટું આસ્થા કેન્દ્ર બની ચૂક્યું છે, જ્યાં દરરોજ લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. આવી સ્થિતિમાં પ્રશાસન, સુરક્ષા અને વ્યવસ્થામાં ઉચ્ચ સ્તરની શિસ્ત જરૂરી હતી.

દૈનિક વહીવટ: મંદિર પરિસરનું રોજિંદું સંચાલન અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓનું વ્યાવસાયિક સ્તરે સંચાલન કરવું.
સરકારી એજન્સીઓ સાથે સુમેળ: કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ, પોલીસ તંત્ર અને સ્થાનિક પ્રશાસન સાથે રામ મંદિર ટ્રસ્ટનું યોગ્ય તાલમેલ જાળવવું.
સુરક્ષા અને પારદર્શિતા: મંદિર પરિસરની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવી તેમજ તમામ કાર્યોમાં પારદર્શિતા લાવવી.

લશ્કરી શિસ્ત અને દેશસેવાનો વિશાળ અનુભવ ધરાવતા એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની પસંદગીથી રામ મંદિરના વહીવટી કાર્યોને એક નવી ઊંચાઈ મળશે.