Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. અહીં કુલગામ જિલ્લાના વારુ વિસ્તારમાં ભારતીય સેના સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકીઓમાં એક લશ્કરનો છેલ્લો સક્રીય કમાન્ડર લતીફ ભટ પણ સામેલ હતો. આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે, અથડામણ સમયે ઘાયલ થયેલો અન્ય એક આતંકવાદી ઉમર નિસાર જ્યારે ભાગવાની કોશીશ કરતો હતો ત્યારે સેનાએ તેને પકડી લીધો છે. જોકે, અત્યાર સુધીમાં ન તો પોલીસે લતીફ ભટના માર્યા જવાની પુષ્ટી કરી છે ન તો તેના સાથી નિસારના જીવતા પકડાવાની પુષ્ટી કરી છે.
આ ઘટનાક્રમ અંગે એક સિનિયર પોલીસ ઓફીસરે જણાવ્યું હતું કે, કુલગામના લારનુ બાયપાસ વિસ્તારમાં આ અથડાણ ત્યારે શરુ કરવામાં આવી જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું.
આ ઉપરાંત અધિકારીએ એ પણ જણાવ્યું કે, ઓપરેશન હજુ સમાપ્ત થયું નથી. મૃતદેહ મળ્યા બાદ મૃત્યુની પુષ્ટી કરવામાં આવશે અને તેની ઓળખ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે.
લતીફ પર હતું 15 લાખનું ઈનામ
તમને જણાવી દઈએ કે, માર્યા ગયેલા લતીફ ભટ પર 15 લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું. લતીફ ગયા વર્ષે નવેમ્બરમાં જ આતંકવાદી બન્યો હતો. લતીફ પર લાગેલા આરોપ અંગે વાત કરીએ તો તેમણે આ વર્ષ જુલાઈ મહિનામાં અનંતનાગ વિસ્તારના લાલ ચોકમાં એક પોલીસકર્મીની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત કુલગામમાં છત્તીસગઢના બે મજૂરોની પણ હત્યા કરી હતી.
તો બીજી તરફ જે નિસાર નામના આતંકીને જીવતો પકડવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે તેના વિશે વાત કરીએ તો નિસાર હજુ 10 દિવસ પહેલા જ આતંકી બન્યો હતો અને એવી પણ વાત સામે આવી છે કે, 11 નવેમ્બરના રોજ અખરાન નૌપુરામાં જ્યારે સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યો ત્યારે લતીફ સાથે તે પણ હતો.
આતંકીઓએ કર્યું હતું અંધાધૂંધ ફાયરિંગ
કુલગામમાં થયેલા હુમલા અંગે વિગતે વાત કરીએ તો, 11 નવેમ્બર 2026ના રોજ કુલગામના અખરાન ગામમાં સીઆરપીએફની એક ટૂકડી પર હુમલો કરવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આતંકીઓએ માત્ર 15 સેકન્ડમાં 30 રાઉન્ડ ગોળીઓ વરસાવી હતી. આ હુમલામાં સેનાના 3 જવાનો ઘાયલ થયા હતા. હુમલો કર્યા બાદ આતંકીઓ તુરંત નાસી છુટ્યા હતા. જે બાદ સુરક્ષાદળોએ તેમને શોધવા માટે સતત અભિયાન ચાલું રાખ્યું હતું.
સેનાના નિશાને હતો લતીફ
સીઆરપીએફની ટૂકડી પર થયેલા હુમલા બાદથી જ સેના લતીફ અને તેના સાથીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશનમાં લાગી ગઈ હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન 20 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી અને 500 લોકોથી વધુની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન લશ્કર અને ટીઆરએફ સાથે જોડાયેલા 3 ઓવરગ્રાઉન્ડ વર્કરની પણ કથિત રીતે ઓળખ કરવામાં આવી હતી. એટલું જ નહીં આ તપાસ દરમિયાન લતીફના ઠેકાણા વિશે પણ માહિતી મળી હતી.
લતીફના વિવિધ ઠેકાણાની જાણ થતાની સાથે જ સુરક્ષાદળો એક્શનમાં આવ્યા હતા અને ગંજીપોરા,વનપોર અને લારનુ વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસ અને સેનાના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.
