પ્રેમલગ્ન કરનાર યુવતીના સવાલ પર અનિરુદ્ધાચાર્ય મહારાજ શું સલાહ આપી તે જાણો

હરિયાણાના તરાવડી ખાતે કથા દરમિયાન યુવતીએ પ્રેમ લગ્ન અને પરિવારની નારાજગી અંગે અનિરુદ્ધાચાર્યજી પાસે સલાહ માંગી. જાણો કથાવાચકે શું આપ્યો જવાબ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 08 Sep 2026 07:19 PM (IST)Updated: Tue, 08 Sep 2026 07:19 PM (IST)
aniruddhacharya-maharaj-on-love-marriage-family-conflict

Aniruddhacharya Maharaj: હાલ ગુજરાતમાં સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નનો વિવાદ ચર્ચામાં છે ત્યારે તરાવડી (કરનાલ) ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન એક અત્યંત સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે. પ્રશ્નોત્તરી દરમિયાન એક યુવતીએ કથાવાચક અનિરુદ્ધાચાર્યજી મહારાજ સમક્ષ પોતાના પ્રેમ લગ્ન અને તેના કારણે પરિવારમાં સર્જાયેલી નારાજગીની પીડા વ્યક્ત કરી હતી.

યુવતીએ જણાવ્યું કે તેણે પરિવારની મરજી વિરુદ્ધ અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે. લગ્ન પહેલાં તેની માતાએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જ્યારે તે ન માની ત્યારે તેને કથિત રીતે આશરે 1 મહિના સુધી એક રૂમમાં બંધ રાખવામાં આવી હતી. આ સમય દરમિયાન તેનો મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો અને તેને નોકરી પર જતાં પણ અટકાવવામાં આવી હતી.

યુવતીએ મહારાજશ્રી સમક્ષ રજૂઆત કરી કે તેણે તેની માતાને ઘણી વાર વિનંતી કરી હતી કે તેઓ એકવાર યુવકને મળે, તેના પરિવાર અને સંસ્કારોને જાણે અને પછી લગ્ન અંગે નિર્ણય લે. તેણે માતાને એમ પણ કહ્યું હતું કે જો તેમને છોકરો પસંદ નહીં આવે તો તે તેમની વાત માની લેશે. પરંતુ પરિવારે યુવકને મળવાનો પણ પ્રયત્ન કર્યો નહોતો. સતત માનસિક દબાણ અને ઘરમાં કેદ રાખ્યા બાદ આખરે તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન પછી પણ પરિવારની નારાજગી દૂર થઈ નથી અને હવે તેઓ ઈચ્છે છે કે તે પતિને છોડીને પાછી ઘરે આવી જાય. જો કે, યુવતીની ઈચ્છા તેના પતિ અને પરિવાર વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાની છે.

યુવતીની આપવીતી સાંભળ્યા બાદ અનિરુદ્ધાચાર્ય મહારાજે લગ્ન અને પ્રેમ અંગે ધાર્મિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે લગ્નનો નિર્ણય માત્ર લાગણીઓના આધારે ન લેવો જોઈએ. વ્યક્તિએ સામેવાળાના પરિવાર, સંસ્કાર અને ભવિષ્યના જીવન વિશે પણ વિચાર કરવો જોઈએ. તેમણે શાસ્ત્રોનો સંદર્ભ આપીને જણાવ્યું કે તેમની ધાર્મિક માન્યતાઓ મુજબ યુવતીએ ધર્મ અનુસાર યોગ્ય નિર્ણય લીધો નથી. જો કે, વર્તમાન બંધારણીય વ્યવસ્થા વ્યક્તિને પોતાની પસંદગીથી લગ્ન કરવાનો અધિકાર આપે છે.

મહારાજશ્રીએ યુવતીને સલાહ આપી કે હવે જ્યારે લગ્ન થઈ ગયા છે, તો તેણે પોતાના પતિ સાથે જવાબદારીપૂર્વક જીવન વિતાવવું જોઈએ. તેમણે પરિવાર સાથે સંબંધો પૂરેપૂરા તોડી નાખવાને બદલે માતા સાથે વાતચીત કરીને સંબંધો સુધારવાની સલાહ આપી હતી. તેમણે યુવતીને તેની માતાના ત્યાગ અને પ્રેમની પણ યાદ અપાવી હતી કે જે માતાએ જન્મ આપ્યો, ઉછેર કર્યો, ભણાવી-ગણાવીને પગભર કરી, તેની લાગણીઓ સમજવી જોઈએ. ઘણીવાર લોકો આકર્ષણને જ સાચો પ્રેમ સમજી બેસે છે, જ્યારે સાચા પ્રેમમાં જવાબદારી, સંસ્કાર અને ત્યાગ સામેલ હોય છે. આખરે તેમણે યુવતીને તેના સાસરે આદરપૂર્વક રહેવા અને પિયર પક્ષ સાથેના સંબંધો સુધારવા માટે શાંતિપૂર્વક ફરીથી વાતચીત કરવા સમજાવી હતી.