અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર; 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં રેલી 1984ના રમખાણ પીડિતોના જખમો પર મીઠું ભભરાવવા જેવી

ચંદીગઢમાં અમિત શાહે 1984ના શીખ વિરોધી રમખાણની વર્ષગાંઠે રેલી યોજવા બદલ રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા. વાંચો અમિત શાહનું પૂરૂં નિવેદન.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 01 Nov 2026 07:35 PM (IST)Updated: Sun, 01 Nov 2026 07:35 PM (IST)
amit-shah-slams-congress-rahul-gandhi-over-1984-riots-rally

Amit Shah on Rahul Gandhi: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીના રામલીલા મેદાનમાં ‘ઇન્ડી’ (INDIA) ગઠબંધન દ્વારા આયોજિત વિરોધ રેલીને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. ચંડીગઢ ખાતે વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, 1984ના સિખ વિરોધી રમખાણોની પુણ્યતિથિના દિવસે જ દિલ્હીમાં આ પ્રકારનો 'જલસો' (રેલી) યોજવો એ દંગાના પીડિતો અને તેમના પરિવારો શ્રદ્ધાંજલિ આપવાને બદલે તેમના જૂના દર્દનાક ઝખ્મો પર મીઠું ભભરાવવા સમાન છે.

1984ના શીખ વિરોધી રમખાણો મુદ્દે કોંગ્રેસ ઘેરાઈ

કેન્દ્રીય ગૃહ મંત્રીએ 1984ના રમખાણોના ભયાનક દ્રશ્યોને યાદ કરતા કોંગ્રેસ પર સંવેદનહીનતાનો આરોપ લગાવ્યો હતો.

1 નવેમ્બર 1984ના રોજ દિલ્હીના રોડ-રસ્તાઓ પર હજારો નિર્દોષ શીખોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હસતા-રમતા પરિવારો ઉજડી ગયા, લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, માસુમ બાળકો અનાથ થયા, મહિલાઓ વિધવા બની અને લોકોના આશિયાના રાખ થઈ ગયા.

અમિત શાહે ‘ઇન્ડિયા’ ગઠબંધન દ્વારા આયોજિત રેલીની તારીખ પર સખત વાંધો ઉઠાવતા કહ્યું કે-જે કાળા દિવસે શીખોનો નરસંહાર થયો હતો, શું વિરોધ પ્રદર્શન માટે ગઠબંધનને એ જ દિવસ મળ્યો હતો?

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના વિવાદિત નિવેદનનો ઉલ્લેખ

અમિત શાહે તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી દ્વારા રમખાણો બાદ આપવામાં આવેલા ચર્ચિત અને વિવાદિત નિવેદનનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે જે તે સમયે રાજીવ ગાંધીએ કહ્યું હતું કે- જ્યારે કોઈ મોટું ઝાડ પડે છે, ત્યારે ધરતી હલે છે. શાહે ઉમેર્યું કે- મેં આ નિવેદન ટેલિવિઝન પર જોયું હતું અને હું જીવનભર આ વાત ભૂલી શકું તેમ નથી. હજારો નિર્દોષોની હત્યા બાદ આવી અસંવેદનશીલ ટિપ્પણી માત્ર કોંગ્રેસનું નેતૃત્વ જ કરી શકે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે 2014માં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ 1984ના બંધ પડેલા કેસોને ફરીથી ખોલવામાં આવ્યા, પીડિત પરિવારોને ₹5-5 લાખનું વળતર ચૂકવાયું અને દોષિત કોંગ્રેસી નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા.

મોક સંસદ અને રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી ગઠબંધન દ્વારા યોજવામાં આવેલા પ્રતિકાત્મક ‘જન મહાભિયોગ’ અને ‘મોક સંસદ’ પર કટાક્ષ કરતા ગૃહ મંત્રીએ જણાવ્યું- જો રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનવાનો આટલો જ શોખ હોય, તો તેઓ આવી મોક પાર્લામેન્ટમાં જ પ્રધાનમંત્રી બની રહે.

વિપક્ષ દ્વારા ચૂંટણીમાં ગડબડીના આક્ષેપો મૂકીને બંધારણીય સંસ્થાઓ પર પ્રહારો કરવાના પ્રયાસને તેમણે લોકશાહીનું અપમાન ગણાવ્યું હતું.