Amit Shah: 'રાહુલ આરક્ષણને લઇને અફવાઓ ફેલાવી રહ્યા છે…' અમિત શાહે કહ્યું- 'ભાજપની સરકારમાં કોઇ અનામત પાછી ખેંચી નહિં શકે'

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 28 Apr 2024 04:02 PM (IST)Updated: Sun, 28 Apr 2024 04:02 PM (IST)
amit-shah-accuses-rahul-gandhi-of-spreading-false-rumors-about-reservation-lok-sabha-election-2024

Amit Shah on Rahul Gandhi: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે રાહુલ ગાંધીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'જો ભાજપ ત્રીજી વખત ચૂંટાશે તો પછાત વર્ગો માટેનું અનામત પાછું ખેંચી લેશે.' તેના પર અમિત શાહે કહ્યું કે, 'રાહુલ ગાંધી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો ભાજપ પછાત વર્ગો માટે અનામત પાછી ખેંચી લેવાની દિશામાં કામ કરી રહી હોય, તો તેણે અત્યાર સુધીમાં આમ કરી લીધું હોત.'

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે, 'જ્યાં સુધી ભાજપ સત્તામાં છે, ત્યાં સુધી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત અથવા ક્વોટા પર કોઈ પુનર્વિચારણા કરવામાં આવશે નહીં.'

અમિત શાહે કહ્યું કે, 'કર્ણાટકમાં સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસે મુસ્લિમોને 4 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. શું લોકોને ખબર નથી કે તે કોના કોટામાંથી લઘુમતી સમુદાય માટે 4 ટકા અનામત અલગ કરી? તેલંગાણામાં સત્તામાં આવ્યા પછી એવી જ રીતે તેમણે મુસ્લિમો માટે 5 ટકા અનામતની જાહેરાત કરી હતી. કોંગ્રેસ હંમેશા પછાત વર્ગો માટે આરક્ષણની વિરુદ્ધ ઉભી રહી છે અને આદિવાસી સમુદાયોને ન્યાય આપવાનો કોઈ વાસ્તવિક ઈરાદો ક્યારેય દર્શાવ્યો નથી.'

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, 'જામિયા મિલિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં આજે પણ એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓને અનામતનો લાભ લેવા થી વંચિત રાખવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ જ દ્રૌપદી મુર્મુને દેશના સર્વોચ્ચ પદ પર નિયુક્ત કરીને આપણા આદિવાસી ભાઈ-બહેનોને ન્યાય અપાવ્યો હતો.'