પાકિસ્તાનને અમેરિકાનો જોરદાર ફટકો: યુએસ ટ્રેડ ડિપાર્ટમેન્ટે નકશામાં સમગ્ર PoK અને જમ્મુ-કાશ્મીરને ભારતનો ભાગ દર્શાવ્યો

ભારત દ્વારા રશિયન તેલ પર મર્યાદા મુકવાના વચન અને અમેરિકા સાથે 10 વર્ષના સંરક્ષણ કરારના બદલામાં અમેરિકાએ ભારતની પ્રાદેશિક અખંડિતતાને આ રીતે સન્માન આપ્યું હોય તેવું જણાય છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 07 Feb 2026 11:44 AM (IST)Updated: Sat, 07 Feb 2026 11:44 AM (IST)
america-big-blow-to-pakistan-us-trade-department-shows-entire-pok-and-jammu-and-kashmir-as-part-of-india-in-map

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વચગાળાના વેપાર કરારના (Interim Trade Agreement) ઉત્સાહ વચ્ચે એક એવી ઘટના બની છે જેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા ભારતના સત્તાવાર નકશામાં સમગ્ર જમ્મુ અને કાશ્મીર, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) નો પણ સમાવેશ થાય છે, તેને ભારતનો અભિન્ન ભાગ દર્શાવવામાં આવ્યો છે.

નકશામાં શું છે ખાસ?

સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સંગઠનો કે દેશો જ્યારે ભારતનો નકશો દર્શાવતા હોય છે, ત્યારે વિવાદિત વિસ્તારોને અલગ સીમાંકન કે 'ડોટેડ લાઈન્સ' (ટપકાવાળી રેખા) દ્વારા દર્શાવતા હોય છે. જોકે, અમેરિકાના ટ્રેડ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા આ નકશામાં કોઈ પણ પ્રકારની નિયંત્રણ રેખા (LoC) કે વિવાદિત સીમાંકન દર્શાવવામાં આવ્યું નથી. આ નકશો સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકા હવે કાશ્મીરના સમગ્ર ભૌગોલિક વિસ્તારને ભારતીય નકશાના સાર્વભૌમ ભાગ તરીકે સ્વીકારે છે.

વ્યાપારિક પોસ્ટ અને રાજદ્વારી સંદેશ

યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) એ સોશિયલ મીડિયા પર ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગેની વિગતો શેર કરતી એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, "બદામ અને સૂકા અનાજથી લઈને લાલ જુવાર અને તાજા ફળો સુધી, આ નવો કરાર અમેરિકન ઉત્પાદનો માટે ભારતમાં વિશાળ બજારો ખોલશે." આ લખાણની સાથે મૂકવામાં આવેલા નકશાએ પાકિસ્તાની રાજદ્વારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે.

પાકિસ્તાન માટે મોટો આંચકો

પાકિસ્તાન દાયકાઓથી કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાય અને ખાસ કરીને અમેરિકા પાસે સમર્થનની અપેક્ષા રાખતું આવ્યું છે. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે અમેરિકા માટે ભારત એક વ્યૂહાત્મક અને વિશ્વાસપાત્ર ભાગીદાર છે. PoK ને ભારતના નકશામાં દર્શાવવું એ ભારતના 'અખંડ ભારત' ના વલણને અમેરિકાનું મૌન પરંતુ મજબૂત સમર્થન માનવામાં આવી રહ્યું છે.

નિષ્ણાતોનો મત

ભૂ-રાજકીય નિષ્ણાતો માને છે કે આ માત્ર ભૂલ નથી, પરંતુ એક સુનિયોજિત રાજદ્વારી સંકેત છે. ભારત દ્વારા રશિયન તેલ પર મર્યાદા મુકવાના વચન અને અમેરિકા સાથે 10 વર્ષના સંરક્ષણ કરારના બદલામાં અમેરિકાએ ભારતની પ્રાદેશિક અખંડિતતાને આ રીતે સન્માન આપ્યું હોય તેવું જણાય છે. આ નકશાએ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે, જ્યાં ભારતીય યુઝર્સ તેને મોદી સરકારની મોટી કૂટનીતિક જીત ગણાવી રહ્યા છે.