Ajay Devgn Bungalow Demolition: એક તરફ બોલીવુડ અભિનેતા અજય દેવગન પોતાની ફિલ્મ 'Drishyam 3' સફળ થતા ખુશી મનાવી રહ્યા છે, બીજી તરફ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા અજય દેવગનના જુહુ સ્થિત બંગલાના કેટલાક ગેરકાયદેસર ભાગો પર હથોડો ચલાવ્યો છે. અગાઉ આ ગેરકાયદે બાંધકામ અંગે BMC દ્વારા અજય દેવગનને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.
ગેરકાયદે બાંધકામ અંગે પાઠવી હતી નોટિસ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગેરકાયદે બાંધકામના કારણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અજય દેવગનને નોટિસ મોકલવામાં આવી હતી. અજય દેવગન અને કાજોલનો જુહુ સ્થિત આ બંગલો આશરે 7,802 ચોરસ ફૂટનો છે. આ બંગલો જુહુની કપોલે કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાંઆવેલો છે.
BMC ના જણાવ્યા અનુસાર, પૂર્વ મંજૂરી લીધા વિના જ બંગલાની અંદર દીવાલોના પાર્ટિશન બનાવવા અને બારીઓમાં ફેરફાર કરવા જેવા અનેક મોટા બદલાવ કરવામાં આવી રહ્યા હતા. આ મામલે 10 સપ્ટેમ્બરે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 354A હેઠળ એક સત્તાવાર નોટિસ પણ મોકલવામાં આવી હતી. નોટિસમાં કામ તાત્કાલિક ધોરણે રોકી દેવા અને યોગ્ય દસ્તાવેજો જમા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
અંતે બંગલાનો ગેરકાયદેસર ભાગ તોડી પાડ્યો
અહેવાલો અનુસાર, નોટિસ મળ્યા પછી અજય દેવગનના બંગલામાં ગેરકાયદેસર બાંધકામનું કામ ચાલુ જ રહ્યું હતું. જેના પરિણામે મહાનગરપાલિકાના અધિકારીઓએ તેમના બંગલામાં બનાવેલા ગેરકાયદે ભાગને તોડી પાડ્યા હતા. ઈન્ટરનેટ પર અધિકારીઓ હથોડો લઈને ગેરકાયદેસર દીવાલ તોડતા હોય તેવી તસવીરો પણ વાયરલ થઈ રહી છે.
