22 કલાકની લાંબી મુસાફરીનો અંત! હવે માત્ર 17 કલાકમાં સીધા ન્યૂયોર્ક પહોંચાશે, એર ઈન્ડિયાના આ નિર્ણયથી મુસાફરો ખુશખુશાલ

એરસ્પેસના પ્રતિબંધો હળવા થતા એર ઈન્ડિયાએ દિલ્હી અને મુંબઈથી ન્યૂયોર્ક માટે સીધી ફ્લાઈટ્સ શરૂ કરી છે. હવે મુસાફરી 22 ને બદલે 17 કલાકમાં પૂરી થશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 15 Nov 2026 06:36 PM (IST)Updated: Sun, 15 Nov 2026 06:36 PM (IST)
air-india-direct-flights-indianew-york-travel-time-cut-to-17-hrs

India to New York Direct Flight Time: અમેરિકા જતા અને આવતા ભારતીય મુસાફરો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. એર ઈન્ડિયાએ ભારત અને ન્યૂયોર્ક વચ્ચેના તમામ ચાર મહત્વપૂર્ણ રૂટ પર નોન-સ્ટોપ (સીધી) ફ્લાઈટ સેવાઓ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. એરસ્પેસ સંબંધિત પ્રતિબંધોમાં છૂટછાટ મળ્યા બાદ લેવાયેલા આ નિર્ણયથી મુસાફરોના સમયમાં સીધો પાંચ કલાકનો ઘટાડો થશે.

22 કલાકની મુસાફરી હવે માત્ર 17 કલાકમાં પૂરી થશે

અગાઉ પાકિસ્તાને ભારતીય એરલાઈન્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કર્યું હતું અને ત્યારબાદ મધ્ય પૂર્વ (Middle East)ના કેટલાક વિસ્તારોમાં પ્રાદેશિક તણાવને કારણે હવાઈ માર્ગો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિને કારણે ભારત અને ઉત્તર અમેરિકા વચ્ચેની ફ્લાઈટ્સના રૂટ બદલવા પડ્યા હતા. લાંબા રૂટને લીધે ઈંધણ ભરાવવા (Refueling) માટે ફ્લાઈટ્સને ઈટાલીના રોમ ખાતે ટેકનિકલ સ્ટોપેજ લેવું પડતું હતું.

રોમ ખાતેના આ રોકાણને કારણે દિલ્હી અને મુંબઈથી ન્યૂયોર્ક પહોંચવામાં અંદાજે 22 કલાક જેટલો લાંબો સમય લાગતો હતો. હવે હવાઈ માર્ગો પરના નિયંત્રણો હળવા થતા એર ઈન્ડિયાએ દિલ્હી અને મુંબઈથી ન્યૂયોર્કના જોન એફ. કેનેડી (JFK) અને નેવાર્ક લિબર્ટી (EWR) એરપોર્ટ માટે સીધી ઉડાન શરૂ કરી દીધી છે. વચ્ચેનું સ્ટોપેજ રદ થતા હવે મુસાફરો 22 ને બદલે માત્ર 17 કલાકમાં જ ન્યૂયોર્ક પહોંચી શકશે.

કયા શહેરથી કેટલી ફ્લાઈટ્સ ઉડાન ભરશે?

એર ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા નવા શિડ્યુલ મુજબ ભારત અને ન્યૂયોર્ક વચ્ચે સાપ્તાહિક ધોરણે ફ્લાઈટ્સ કાર્યરત રહેશે-

  • દિલ્હીથી ન્યૂયોર્ક (JFK એરપોર્ટ): દરરોજ 1 સીધી ફ્લાઈટ
  • મુંબઈથી ન્યૂયોર્ક (JFK એરપોર્ટ): દરરોજ 1 સીધી ફ્લાઈટ
  • દિલ્હીથી નેવાર્ક (EWR એરપોર્ટ): અઠવાડિયામાં 4 સીધી ફ્લાઈટ્સ
  • મુંબઈથી નેવાર્ક (EWR એરપોર્ટ): અઠવાડિયામાં 3 સીધી ફ્લાઈટ્સ

દિલ્હીના રૂટ પર અત્યાધુનિક એરબસ A350-900 ની સુવિધા

દિલ્હીથી JFK અને નેવાર્ક જતી ફ્લાઈટ્સમાં એર ઈન્ડિયા પોતાના સૌથી આધુનિક એરબસ A350-900 (Airbus A350-900) વિમાનોનો ઉપયોગ કરી રહી છે. મુસાફરોની સુવિધા માટે આ વિમાનમાં ત્રણ અલગ-અલગ કેટેગરી રાખવામાં આવી છે-

કેટેગરી (Class) સીટની સંખ્યા મુખ્ય સુવિધાઓ
બિઝનેસ ક્લાસ 28 સીટ સંપૂર્ણપણે ફ્લેટ થઈને આરામદાયક બેડમાં ફેરવાઈ શકે તેવી સીટ્સ.
પ્રીમિયમ ઈકોનોમી 24 સીટ અલગ કેબિન, વધુ આરામદાયક સીટ અને પગ લંબાવવા માટે વધારાની જગ્યા (Extra Legroom).
ઈકોનોમી ક્લાસ 264 સીટ આરામદાયક બેઠક વ્યવસ્થા અને લેટેસ્ટ ઈન-ફ્લાઈટ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ.

મુંબઈથી બોઈંગ 777-300ER વિમાનમાં લક્ઝરી મુસાફરી

બીજી તરફ, મુંબઈથી ન્યૂયોર્ક (JFK અને નેવાર્ક)ના રૂટ પર એર ઈન્ડિયા બોઈંગ 777-300ER (Boeing 777-300ER) વિમાનો ઓપરેટ કરી રહી છે, જેના કેબિનને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે-

ફર્સ્ટ ક્લાસ: 8 અત્યંત લક્ઝરી સીટ્સ, જેમાં મુસાફરોની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે ખાસ સ્લાઈડિંગ દરવાજાની સુવિધા આપવામાં આવી છે.

બિઝનેસ ક્લાસ: 40 સીટ્સ, જે સંપૂર્ણપણે સપાટ બેડમાં પરિવર્તિત થઈ શકે છે.

ઈકોનોમી ક્લાસ: 280 સીટ્સ, જેમાં લાંબા અંતરની મુસાફરીને ધ્યાનમાં રાખીને સુવિધાઓ અપગ્રેડ કરાઈ છે.

મુસાફરો અને એરલાઈન બંને માટે ફાયદાકારક

એર ઈન્ડિયાના જણાવ્યા મુજબ, અમેરિકા એ ભારતીય એવિએશન માર્કેટ માટે સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રૂટ છે. નોન-સ્ટોપ ફ્લાઈટ્સ ફરી શરૂ થવાથી ખાસ કરીને પરિવારો, વૃદ્ધ મુસાફરો અને બિઝનેસ ટ્રાવેલર્સને એરપોર્ટ બદલવાની કે લાંબા સમય સુધી ટ્રાન્ઝિટમાં રાહ જોવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. અપગ્રેડેડ કેબિન અને સમયની બચતને કારણે ભારત-અમેરિકા વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.