Musadik Masood Malik India visit: ભારત વિરુદ્ધ અવારનવાર ઉશ્કેરણીજનક નિવેદનો આપનારા પાકિસ્તાની નેતાઓ જ્યારે ભારતની ધરતી પર પગ મૂકે છે, ત્યારે તેમના તેવર સાવ નરમ પડી જતા હોય છે. આવું જ કંઈક દ્રશ્ય રવિવારે નવી દિલ્હીમાં જોવા મળ્યું. સિંધુ જળ સંધિ સ્થગિત થવા પર અગાઉ 'હાથ કાપી નાખવાની' પોકળ ધમકી આપનારા પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મસૂદ મલિક જ્યારે ભારતીય પત્રકારોના તીખા સવાલો સામે આવ્યા, ત્યારે તેઓ સંપૂર્ણપણે બેકફૂટ પર જોવા મળ્યા હતા અને પોતાના જ નિવેદનથી હાથ ખંખેરતા નજરે પડ્યા હતા.
ચર્ચાનું આમંત્રણ ન મળ્યું હોવાનું બહાનું આગળ ધર્યું
શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના 'સભ્યતાગત સંવાદ મંચ' (Civilisational Dialogue Forum)માં ભાગ લેવા માટે પાકિસ્તાની મંત્રી મુસાદિક મસૂદ મલિક નવી દિલ્હી પહોંચ્યા છે. કાર્યક્રમ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને ઘેરીને સિંધુ જળ સંધિ પર તેમના જૂના ભડકાઉ નિવેદન અંગે સવાલો પૂછ્યા, ત્યારે મલિકે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું.
સવાલોથી બચતા તેમણે બહાનું આગળ ધર્યું કે- જ્યારે તમે મને સિંધુ જળ સંધિ પર ચર્ચા કરવા માટે બોલાવશો, ત્યારે અમે ચોક્કસ વાત કરીશું. અત્યારે ભારત તરફથી મને આ મુદ્દે વાતચીત કરવા માટે કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નથી. એક સમયે જે મુદ્દે તેઓ આકરા તેવર બતાવતા હતા, તે જ મુદ્દે દિલ્હીમાં તેમણે મૌન સેવવાનું મુનાસિબ માન્યું.
આતંકવાદના મુદ્દે બચાવની મુદ્રામાં પાકિસ્તાન
માત્ર પાણીના મુદ્દે જ નહીં, પરંતુ સરહદ પારના આતંકવાદને લઈને પૂછાયેલા સવાલો પર પણ પાકિસ્તાની મંત્રી બચાવની મુદ્રામાં જોવા મળ્યા. તેમણે દલીલ કરી કે પાકિસ્તાન વાતચીત કરવા અને પુરાવા રજૂ કરવા માટે તૈયાર છે. મલિકે કહ્યું કે જો કોઈ કાયમી ઉકેલ લાવવો હોય, તો ચર્ચા નક્કર પુરાવાઓના આધારે થવી જોઈએ. આ મુદ્દો દ્વિપક્ષીય કે બહુપક્ષીય મંચ પર ઉઠાવી શકાય છે, જ્યાં બંને દેશો પોતપોતાના પક્ષ અને પુરાવા રજૂ કરી શકે.
શું હતો 'હાથ કાપી નાખવાનો' વિવાદિત બફાટ?
નોંધનીય છે કે આ જ વર્ષે ઓક્ટોબર મહિનામાં મુસાદિક મસૂદ મલિકે સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાના ભારતના નિર્ણય પર ઝેર ઓકતા વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે- જે કોઈ પણ અમારા પાણીને હાથ લગાવશે, તેના હાથ કાપી નાખવામાં આવશે. જોકે, દિલ્હી પહોંચતા જ તેમની આ ગીધડધમકી હવામાં ઓગળી ગઈ હોય તેમ લાગતું હતું.
પહેલગામ હુમલા બાદ ભારતનું કડક વલણ
ગત 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે અત્યંત કડક પગલું ભરતા સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. નવી દિલ્હીએ સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપી દીધો છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને પોષવાનું અને આતંકીઓને આશરો આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી આ સંધિ સ્થગિત જ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં અને લોહી તથા પાણી એકસાથે વહી શકે નહીં.
