Mumbai Protesters Video: મુંબઈમાં NEET પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક પોલીસકર્મી વિદ્યાર્થીઓને નકલી ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો જોવા મળે છે. આ વીડિયોની ગંભીરતાને ધ્યાનમાં લેતા મુંબઈ પોલીસે સંબંધિત પોલીસકર્મીને તેની હાલની પોસ્ટિંગ પરથી હટાવી દીધો છે અને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
પોલીસ ડ્રાઈવરે આપી જિંદગી બરબાદ કરવાની ધમકી
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ વાનની અંદર કેટલાક વિદ્યાર્થીઓ બેઠા છે, જેમને વિરોધ પ્રદર્શન સ્થળેથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ દરમિયાન આગળની સીટ પર બેઠેલો ગણવેશધારી પોલીસકર્મી વિદ્યાર્થીઓને ફરીથી પ્રદર્શનમાં ન આવવા માટે ચેતવણી આપે છે. વીડિયોમાં તે કહેતા સંભળાય છે કે જો તમે લોકો ફરીથી અહીં દેખાયા તો હું તમારી જિંદગી બરબાદ કરી દઈશ. આટલેથી ન અટકતા તેણે ધમકી આપી હતી કે, "તમારી બેગમાં 50-50 ગ્રામ પાવડર નાખી દઈશ, પછી આખી જિંદગી જેલમાં સડવું પડશે અને કરિયર ખતમ થઈ જશે."
કોંગ્રેસે વીડિયો શેર કરતા તંત્ર હરકતમાં આવ્યું
આ વીડિયો મુંબઈ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યા બાદ વિવાદ વકર્યો હતો. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે શું અવાજ ઉઠાવવો એ ગુનો છે? આ માત્ર ડરાવવાની કોશિશ નથી પણ લોકશાહી અધિકારો પર સીધો હુમલો છે. ઘટનાની જાણ થતા મુંબઈ પોલીસના ડીસીપી અકબર પઠાણે જણાવ્યું કે વાયરલ વીડિયોની તપાસના આદેશ અપાયા છે અને તથ્યોની ચકાસણી કર્યા બાદ કડક પગલાં લેવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ, ધમકી આપનાર પોલીસકર્મી પવન સાંગલે છે, જે મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલ છે અને હાલ સાયન પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો.
વિદ્યાર્થીઓ પર ડિજિટલ દેખરેખના આક્ષેપો
છેલ્લા કેટલાક દિવસોથી શિવાજી પાર્ક, ચેમ્બુર અને આઝાદ મેદાન જેવા વિસ્તારોમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વમાં મોટા પાયે પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે પોલીસ તેમને રોકવા માટે અયોગ્ય રીતો અપનાવી રહી છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, પોલીસ તેમના ઘરે જઈને દબાણ કરી રહી છે અને વોટ્સએપ પર તેમની લાઈવ લોકેશન સતત શેર કરવા માટે સૂચના આપી રહી છે. આ ઉપરાંત, BNSS ની કલમ 35(3) હેઠળ ડિજિટલ નોટિસ મોકલીને તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, તપાસનો રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત પોલીસકર્મી વિરુદ્ધ આગળની વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
