Delhi Police's claim vs Abhijit Deepak's allegations: પાટનગર દિલ્હીના જંતર-મંતર ખાતે પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજીત દીપકેની અટકાયત અને ત્યારબાદના ઘટનાક્રમને લઈને દિલ્હી પોલીસ અને CJP વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું છે. એક તરફ દિલ્હી પોલીસે અટકાયત દરમિયાન દીપકેને દાદીના અવસાનની જાણ કરવા અને માનવતાવાદી ધોરણે મદદ કરવાનો દાવો કરતો વીડિયો જાહેર કર્યો છે, તો બીજી તરફ જેલમાંથી મુક્ત થયેલા અભિજીત દીપકેએ પોલીસ પર માનસિક પ્રતાડના અને ‘વર્દીધારી ગુંડા’ જેવું વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.
જંતર-મંતર પર પ્રદર્શન અને પોલીસની મંજૂરીનો વિવાદ
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કોકરોચ જનતા પાર્ટી (CJP)ને જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવાની કોઈ કાયદેસર મંજૂરી આપવામાં આવી નહોતી. તેમ છતાં, CJPના સ્થાપક અભિજીત દીપકે અને તેમના સમર્થકો નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.
દિલ્હી પોલીસની PRO અને DCP નેહા યાદવે પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરી હતી કે- અગાઉના પ્રદર્શન દરમિયાન થયેલા હંગામા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે CJPને પ્રદર્શનની પરવાનગી આપવામાં આવી નહોતી. પોલીસે આ મામલે કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરીને અભિજીત દીપકે સહિત તેમના બે સાથીઓની અટકાયત કરી હતી.
દિલ્હી પોલીસનો દાવો: દાદીના અવસાનની જાણ કરી અને મદદની ઓફર કરી
પોલીસના પક્ષ મુજબ, અટકાયત દરમિયાન અભિજીત દીપકેની દાદીના અવસાનની માહિતી મળતા જ પોલીસે તેમને માનવતાના ધોરણે મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરિવારનો સંપર્ક: DCP નેહા યાદવે જણાવ્યું કે દીપકેને તેમના પિતા કે પરિવારના અન્ય સભ્યનો મોબાઈલ નંબર આપવા કહેવામાં આવ્યું હતું જેથી તેમના પરિવાર સાથે સંપર્ક સાધી શકાય.
ઘેર પહોંચાડવાની વ્યવસ્થા: પોલીસે દાવો કર્યો છે કે દીપકેને તેમના વતન કે ઘરે પહોંચાડવા માટે તમામ શક્ય મદદની ઓફર કરવામાં આવી હતી, જેમાં ફ્લાઈટની ટિકિટની વ્યવસ્થા કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો હતો.
વીડિયો પુરાવો: પોલીસે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં એક વીડિયો ક્લિપ પણ દર્શાવી હતી, જેમાં પોલીસ કર્મચારીઓ દીપકે સાથે વાતચીત કરતા અને પરિવારનો નંબર માગતા જોવા મળે છે. પોલીસનો આક્ષેપ છે કે દીપકે પોતે જ પરિવાર સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
અભિજીત દીપકેના ગંભીર આરોપો: "માત્ર બે મિનિટ ફોન માગ્યો હતો"
રવિવારે જેલમાંથી મુક્ત થયા બાદ અભિજીત દીપકેએ દિલ્હી પોલીસના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા અને પોલીસ કાર્યવાહી સામે તીખા પ્રહારો કર્યા હતા.
ફોન ન આપ્યો: દીપકેએ આક્ષેપ કર્યો કે જ્યારે તેમને દાદીના અવસાનની જાણ થઈ, ત્યારે તેમને પોતાના કઝિન કે પરિવારનો નંબર યાદ નહોતો. તેમણે પોલીસ પાસે પોતાના જ ફોનમાંથી નંબર જોવા માટે માત્ર બે મિનિટનો સમય માગ્યો હતો, પરંતુ પોલીસે ફોન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
વકીલ સાથે વાત કરવા ન દીધી: દીપકેએ કાયદાકીય અધિકારોનું ઉલ્લંઘન થવાનો આરોપ લગાવતા કહ્યું કે, કાયદા મુજબ અટકાયતમાં રહેલી વ્યક્તિને પોતાના વકીલ સાથે વાત કરવાનો અધિકાર છે, પરંતુ પોલીસે તેની પણ મંજૂરી આપી નહોતી.
મોડી રાત્રે માનસિક પ્રતાડના: દીપકેએ વધુમાં જણાવ્યું કે શનિવાર અને રવિવારની દરમીયાન રાત્રે આશરે 3:30 વાગ્યે અચાનક પોલીસ અધિકારીઓ તેમની પાસે આવ્યા હતા અને માતા-પિતાને ફોન કરીને અટકાયતની જાણ કરવા દબાણ કર્યું હતું. દીપકેએ સવાલ ઉઠાવ્યો હતો કે- જો અટકાયતની જાણ કરવી જ હતી તો આખો દિવસ કેમ ના કરી? રાત્રે 3:30 વાગ્યે માતા-પિતાને ઊંઘમાંથી જગાડીને દીકરાની અટકાયતના સમાચાર આપવા એ માનસિક આઘાત આપવા સમાન છે.
તપાસની જરૂરિયાત
આ સમગ્ર મામલે દિલ્હી પોલીસ અને CJPના આક્ષેપોમાં સીધો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક તરફ પોલીસ પોતાની છબી સ્વચ્છ રાખવા માટે વીડિયો ફૂટેજ રજૂ કરીને મદદનો દાવો કરી રહી છે, તો બીજી તરફ વિરોધ પ્રદર્શન કરનારાઓના અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાના પાલન પર ગંભીર સવાલો ઊભા થયા છે. હિરાસત દરમિયાનના આ ઘટનાક્રમની યોગ્ય તપાસ થાય તે બાદ જ સત્ય સામે આવી શકશે.
