Abhijeet Dipke Detained: દેશની રાજધાની દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કમાં કૉકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત 'લેહરા દો તિરંગા' (તિરંગા યાત્રા) પૂર્વે જ માહોલ ગરમાયો છે. 16 ઓક્ટોબરના રોજ માર્ચ કાઢવાની અને રાષ્ટ્રધ્વજ લહેરાવવાની અપીલ કરનારા સીજીપીના વડા અભિજીત દીપકેની દિલ્હી પોલીસે આયોજનના ગણતરીના સમય પૂર્વે જ અટકાયત કરી લીધી છે. દીપકેની સાથે, દિલ્હી પોલીસે મંડી હાઉસથી નેહા બોરાને પણ કસ્ટડીમાં લીધી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે તેમણે દીપકે કે અન્ય CJP કાર્યકરોને આ પ્રવૃત્તિ માટે પરવાનગી આપી ન હતી.
અહેવાલો અનુસાર, દીપકે જેવો પોતાના ઘરની બહાર નીકળ્યો કે તરત જ પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો. દીપકે પોલીસને પૂછ્યું, "તમે મને શા માટે કસ્ટડીમાં લઈ રહ્યા છો?" જેના જવાબમાં પોલીસે કહ્યું કે તેઓ તેને અટકાયતી પગલાંના ભાગરૂપે ધરપકડ કરી રહ્યા છે.
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક, કનોટ પ્લેસમાં ધારા 163 લાગુ
સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે દિલ્હી પોલીસે કનોટ પ્લેસ સહિત સમગ્ર નવી દિલ્હી જિલ્લામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની ધારા 163 (જે શાંતિ ભંગ અટકાવવા માટેનો નિષેધાદેશ છે) લાગુ કરી દીધી છે.
પોલીસ કમિશનર અનુરાગ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બાદ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સીજીપીના ભૂતકાળના વર્તનને ધ્યાનમાં રાખીને કોઈ પણ સંજોગોમાં સેન્ટ્રલ પાર્કમાં અનધિકૃત રીતે ભીડ એકત્ર કરવા કે રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પોલીસે જણાવ્યું કે જો સંસ્થા તરફથી પરમિશન માટે અરજી કરવામાં આવી હોત તો પણ વર્તમાન સંવેદનશીલ સ્થિતિને જોતા તેને રદ્દ જ કરવામાં આવી હોત.
સાથીઓ તિહાડ જેલ મોકલાતા દીપકેએ કરી હતી તિરંગા યાત્રાની જાહેરાત
ઉલ્લેખનીય છે કે, CJPના બે મુખ્ય સહ-સંયોજકો આશુતોષ રાંકા અને સૌરભ દાસને બેલ બોન્ડની શરતોના કથિત ઉલ્લંઘન બદલ તિહાડ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પોતાના સાથીઓની ધરપકડના વિરોધમાં અભિજીત દીપકે મહારાષ્ટ્રથી દિલ્હી પહોંચ્યા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને હાથમાં તિરંગો લઈને કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક ખાતે એકત્ર થવાની હાકલ કરી હતી.
દીપકેએ અટકાયત પૂર્વે વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે- દેશમાં પોતાના રાષ્ટ્રધ્વજ સાથે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવો એ કોઈ ગુનો નથી. જો આ માટે જેલમાં જવું પડશે તો પણ અમે પાછળ હટીશું નહીં.
વેપારીઓ પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ
કનોટ પ્લેસ વિસ્તારના સ્થાનિક વેપારી મંડળે અવારનવાર થતા પ્રદર્શનોના કારણે ધંધા-રોજગારને થતા નુકસાન અંગે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. હાઈકોર્ટે વિરોધ પ્રદર્શન પર સંપૂર્ણ રોક લગાવવાને બદલે સ્થિતિને યોગ્ય રીતે નિયંત્રિત કરવાનો નિર્દેશ પોલીસને આપ્યો હતો.
હાલમાં દિલ્હી પોલીસે સેન્ટ્રલ પાર્ક અને કનોટ પ્લેસ તરફ આવતા તમામ રસ્તાઓ પર બેરિકેડ્સ ગોઠવી દીધા છે તેમજ સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે.
