Abhijeet Deepke Vows New Protests: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને દેશના ચૂંટણી પંચ સામે મોરચો માંડનાર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતા અભિજીત દીપકેએ જેલમાંથી મુક્ત થયા બાદ ફરી એકવાર આંદોલનનું આક્રમક આહ્વાન કર્યું છે. દિલ્હીમાં અટકાયતમાંથી છૂટ્યા બાદ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેઓ કાયદાકીય રીતે કે કોઈ બાંહેધરી પત્ર દ્વારા આંદોલન ન કરવા માટે બંધાયેલા નથી અને તેઓ ફરીથી રસ્તા પર ઉતરીને પોતાનો વિરોધ નોંધાવશે.
'અમે કોઈ બોન્ડ સાઇન કર્યો નથી': અભિજીત દીપકેનો દાવો
જેલમાંથી મુક્ત થયા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની વાત મૂકતા દીપકેએ દાવો કર્યો હતો કે- અમે એવો કોઈ બોન્ડ કે અંડરટેકિંગ સાઇન નથી કર્યો જેમાં લખ્યું હોય કે અમે વિરોધ પ્રદર્શન નહીં કરીએ. પોલીસ કે વહીવટી તંત્રના કોઈ પણ પ્રતિબંધો અમને જનતાના અવાજ તરીકે રસ્તા પર ઉતરતા રોકી શકશે નહીં.
દિલ્હીમાં એરપોર્ટ પરથી જ થઈ હતી ધરપકડ
નોંધનીય છે કે, દિલ્હીમાં આયોજિત મોટા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય નેતાઓ સામે કડક કાર્યવાહી કરી હતી. શનિવારે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટમાંથી નીચે ઉતરતાની સાથે જ અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની વિનમ્રતા પૂર્વક એહતિયાતી (અટકાયતી) ધરપકડ દર્શાવવામાં આવી હતી.
ત્યારબાદ રવિવારે સવારે દિલ્હી કેન્ટોનમેન્ટ સ્થિત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની અદાલતમાં ત્રણેય નેતાઓને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે કેટલીક ચોક્કસ શરતો સાથે તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
SIR મુદ્દે ચૂંટણી પંચ સામે ગંભીર આરોપો
આ સમગ્ર વિવાદની પાછળ મતદાર યાદીની સુધારણા પ્રક્રિયા એટલે કે 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR)માં થયેલી કથિત ગડબડીઓ જવાબદાર છે. CJPના નેતાઓનો આક્ષેપ છે કે ચૂંટણી પંચ દ્વારા આ પ્રક્રિયામાં મોટી અનિયમિતતાઓ આચરવામાં આવી છે. આ મુદ્દાને લઈને જ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ બીજા દિવસના વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન દિલ્હી પોલીસે અનેક કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા, સંયુક્ત રાષ્ટ્ર (UN) ટિપ્પણી પર ભારતનો જવાબ
આ વિરોધ પ્રદર્શન અને નેતાઓની ધરપકડનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગાજ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આ વિરોધ પ્રદર્શન અને ધરપકડો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ભારતે આ ચિંતાઓને સખત શબ્દોમાં ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે, આ ભારતનો સંપૂર્ણપણે આંતરિક મામલો છે અને તેમાં બહારની કોઈ શિખામણ કે સલાહની જરૂર નથી.
આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનવાના એંધાણ
કોર્ટમાંથી મુક્ત થયા પછી પણ અભિજીત દીપકેના આક્રમક વલણથી સ્પષ્ટ થાય છે કે, ચૂંટણી પંચ અને સરકાર માટે આ વિરોધ પ્રદર્શન અહીં પૂરું થવાનું નથી. આવનારા દિવસોમાં CJP ફરી એકવાર રાજધાની દિલ્હીમાં મોટો મોરચો ખોલી શકે છે, જેના કારણે રાજકીય ગરમાવો વધુ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
