Cyclone Akwan: ભારતીય ઉપખંડમાં ચોમાસાની વિદાય બાદ હવે ઉત્તર-પૂર્વના ચોમાસા (North-East Monsoon) દરમિયાન કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ (IMD)ની ચિંતા વધી ગઈ છે. તાજેતરમાં જ આવેલા શક્તિશાળી વાવાઝોડાં 'અર્નબ' અને 'મુરાસુ'ની અસરો હજુ માંડ ઓછી થઈ હતી ત્યાં હવે બંગાળની ખાડીમાં વધુ એક નવું અને ખતરનાક ચક્રવાતી તોફાન 'અક્વાન' (Cyclone Akwan) આકાર લઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, માત્ર એક જ મહિનાની અંદર બંગાળની ખાડીમાં બનનારું આ ત્રીજું વાવાઝોડું હશે, જેણે દક્ષિણ ભારતના દરિયાકાંઠાના રાજ્યોની ઊંઘ ઉડાડી દીધી છે.
કેમ રાખવામાં આવ્યું છે આ નામ 'અક્વાન'?
વૈશ્વિક નિયમો અને ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઉદ્ભવતા ચક્રવાતી તોફાનના નામકરણ (Naming of Cyclones) રોટેશનલ ચાર્ટ મુજબ, આ વખતે આ તુફાનનું નામ 'અક્વાન' રાખવામાં આવ્યું છે. આ નામ ઈરાન દ્વારા સૂચવવામાં આવ્યું છે. 15 ઓક્ટોબરથી ઉત્તર-પૂર્વ ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ત્યારથી આ ક્ષેત્રમાં સતત ચોથું લો-પ્રેશર બન્યું છે, જે હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.
હાલ ક્યાં છે આ સિસ્ટમ અને ક્યારે બનશે વાવાઝોડું?
હવામાન વિભાગ (IMD)ના તાજા બુલેટિન મુજબ-
વર્તમાન સ્થિતિ: દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધીને હવે 'ડીપ ડિપ્રેશન' (ગંભીર દબાણ)માં ફેરવાઈ ગયું છે.
ભૌગોલિક સ્થિતિ: રવિવાર સુધીમાં આ સિસ્ટમ પોર્ટ બ્લેયરથી આશરે 700 કિમી, ચેન્નઈથી 860 કિમી, વિશાખાપટ્ટનમથી 1,040 કિમી અને ઓડિશાના ગોપાલપુરથી 1,160 કિમી દૂર સમુદ્રમાં કેન્દ્રિત હતી.
વાવાઝોડામાં રૂપાંતર: હવામાનશાસ્ત્રીઓના અનુમાન મુજબ, આ સોમવાર સુધીમાં સત્તાવાર રીતે ચક્રવાતી તોફાન 'અક્વાન' નું સ્વરૂપ ધારણ કરી લેશે. ત્યારબાદ 17 નવેમ્બર સુધીમાં તે વધુ તીવ્ર બનીને 'ભીષણ ચક્રવાતી વાવાઝોડા' (Severe Cyclonic Storm) માં પરિવર્તિત થઈ શકે છે.
ક્યારે અને કયા દરિયાકાંઠે થશે લેન્ડફોલ?
હવામાન નિષ્ણાતો અને બ્લોગર્સ દ્વારા આ સિસ્ટમની ગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અંદાજ છે કે:
- આ સિસ્ટમ આગામી એક-બે દિવસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સ્થિર રહ્યા બાદ પશ્ચિમ તરફ ફંટાશે.
- તે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના તટો તરફ આગળ વધશે.
- સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વાવાઝોડું 19 નવેમ્બરની રાત્રે અથવા 20 નવેમ્બરની વહેલી સવારે એન્નોર (Ennore) અને કુડ્ડાલોર (Cuddalore) વચ્ચેના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.
શ્રીલંકા પર પણ દેખાશે અસર
આ સિસ્ટમ શ્રીલંકાથી દૂર ફંટાઈ રહી છે, તેમ છતાં તેની વ્યાપક અસરથી શ્રીલંકાના અનેક હિસ્સાઓમાં ભારે વાદળછાયું વાતાવરણ, મૂશળધાર વરસાદ અને તોફાની પવનો ફૂંકાવવાની પૂરી સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે.
પવનો કરતાં પણ ભારે વરસાદનું જોખમ વધુ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જો કે આ વાવાઝોડું ભીષણ સ્વરૂપે તટ પર ટકરાશે, પરંતુ તેની મુખ્ય વિનાશક તાકાત અતિશય ભારે પવનો કરતાં મૂશળધાર વરસાદ સ્વરૂપે ત્રાટકી શકે છે.
આ વાવાઝોડાના કારણે ઉત્તર-પૂર્વ ચોમાસું ફરીથી અત્યંત સક્રિય બનશે.
ચેન્નઈ સહિત ઉત્તરી તમિલનાડુના જિલ્લાઓમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉના વાવાઝોડાં 'અર્નબ' અને 'મુરાસુ' સીધા આંધ્રપ્રદેશના તટો પર ટકરાયા હતા અને તેની ખાસ અસર તમિલનાડુ પર થઈ ન હતી. પરંતુ ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવી સ્થિતિ સર્જાઈ છે જ્યાં એક જ મહિનામાં બંગાળની ખાડીમાં સતત ત્રણ વાવાઝોડાં સક્રિય થયાં હોય. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને રાહત-બચાવ કામગીરી માટે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
