Bajri No Rotlo Recipe: શિયાળાની ઋતુમાં બાજરીનો રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ખાસ કરીને તેની સાથે જો તીખી કાચા લસણની ચટણી, ગોળ અને દેશી ઘી મળી જાય તો ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે. સામાન્ય બાજરીના રોટલાને બદલે તમે તેમાં મસાલા ઉમેરીને ગુજરાતી સ્ટાઇલનો મસાલા બાજરીનો રોટલો બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેને ઘરે બનાવવાની રીત.
મસાલા બાજરીનો રોટલો બનાવવા માટેની સામગ્રી
- 2 કપ બાજરીનો લોટ
- 1 નાની ડુંગળી (ઝીણી સમારેલી)
- 2 લીલા મરચાં (ઝીણાં સમારેલાં)
- 1 ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી લસણની પેસ્ટ
- 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર
- ½ ચમચી અજમો
- ½ ચમચી જીરું
- ½ ચમચી લાલ મરચું પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ ગરમ પાણી
- શેકવા માટે ઘી
કાચા લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી
- 8-10 કળી કાચું લસણ
- 2-3 લીલા મરચાં
- 1 ચમચી લાલ મરચું પાઉડર
- 1 નાની ચમચી જીરું
- સ્વાદ મુજબ મીઠું
- 1 ચમચી લીંબુનો રસ
- 1-2 ચમચી તેલ
મસાલા બાજરીનો રોટલો બનાવવાની રીત
સૌથી પહેલાં એક મોટા વાસણમાં બાજરીનો લોટ લો. તેમાં સમારેલી ડુંગળી, લીલાં મરચાં, આદુ-લસણની પેસ્ટ, કોથમીર, અજમો, જીરું, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો. બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં થોડું-થોડું ગરમ પાણી ઉમેરીને લોટ બાંધો. ધ્યાન રાખો કે બાજરીનો લોટ ઘઉંના લોટની જેમ ચીકણો થતો નથી, તેથી તેને હળવા હાથે બાંધીને તૈયાર કરો. લોટ બહુ કઠણ ન રાખવો.
હવે લોટના સરખા ભાગ કરી લો. એક પ્લેટ અથવા પાટલી પર થોડો બાજરીનો લોટ ભભરાવીને હાથની મદદથી રોટલો થપથપાવીને ગોળ આકારમાં તૈયાર કરો. રોટલો બહુ પાતળો ન રાખવો.
ત્યારબાદ ગરમ તવા પર રોટલો મૂકો. એક બાજુ બરાબર શેકાઈ જાય એટલે તેને પલટાવી દો. બંને બાજુથી સરસ શેકાઈ જાય પછી ગેસની ધીમી આંચ પર અથવા તવા પર જ તેને બરાબર પકાવો. છેલ્લે ઉપર દેશી ઘી લગાવીને ગરમાગરમ પીરસો.
કાચા લસણની ચટણી બનાવવાની રીત
સૌથી પહેલાં લસણની કળીઓ છોલીને તેને મિક્સર જારમાં લો. તેમાં લીલાં મરચાં, લાલ મરચું પાઉડર, જીરું અને મીઠું ઉમેરો. હવે થોડું પાણી નાખીને બધી સામગ્રીને અધકચરી પીસી લો.
ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને તેલ ઉમેરીને ફરી એકવાર મિક્સ કરો. જો તમને ચટણી વધારે તીખી પસંદ હોય તો તેમાં લીલાં મરચાંનું પ્રમાણ વધારી શકો છો. તૈયાર છે મસાલેદાર કાચા લસણની ચટણી.
પીરસવાની રીત: ગરમાગરમ મસાલા બાજરીના રોટલા પર દેશી ઘી લગાવીને તેની સાથે કાચા લસણની ચટણી, ગોળ, રીંગણનો ઓળો અથવા છાશ પીરસો. આ ગુજરાતી દેશી થાળીનો સ્વાદ તમને ચોક્કસ પસંદ આવશે.
