Jeans Small Pocket Use: જીન્સના આગળના ભાગમાં આપેલું પેલું નાનકડું ખિસ્સું તમે પણ ઘણી વાર જોયું હશે. મોટાભાગના લોકો તેમાં સિક્કા, ચાવી, બસની ટિકિટ કે ઈયરબડ્સ જેવી નાની-મોટી વસ્તુઓ રાખતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ખિસ્સું ખરેખર કયા ખાસ કામ માટે બનાવવામાં આવ્યું હતું? સોશિયલ મીડિયા પર ફરી એકવાર આ બાબતે ચર્ચા જાગી કે આખરે આટલું નાનું ખિસ્સું જીન્સમાં આપવા પાછળનું સાચું કારણ શું છે? ચાલો, આ રસપ્રદ ઈતિહાસ અને જીન્સના વિવિધ ખિસ્સાઓ વિશે વિગતવાર સમજીએ.
જીન્સના નાના ખિસ્સાનો રોચક ઇતિહાસ
આ નાનકડા ખિસ્સાનો ઇતિહાસ વર્ષ 1853 સાથે જોડાયેલો છે. તે સમયે લિવાય સ્ટ્રોસ નામના વેપારીએ વિશ્વની સૌથી પહેલી બ્લુ જીન્સ બનાવતી કંપની 'લિવાઈસ સ્ટ્રોસ એન્ડ કો' ની સ્થાપના કરી હતી. વર્ષ 1873 માં જ્યારે આ ડિઝાઇનને પેટન્ટ મળી, ત્યારે તેમાં આ નાનું ખિસ્સું ખાસ હેતુથી ઉમેરવામાં આવ્યું હતું. કંપનીની સત્તાવાર વેબસાઇટ 'દ હિસ્ટ્રી ઓફ ડેનિમ' મુજબ, આ નાનું પોકેટ શરૂઆતથી જ જીન્સની ડિઝાઇનમાં સામેલ હતું અને સમય જતાં તે જીન્સની મુખ્ય ઓળખ બની ગયું.
આ નાના ખિસ્સાને શું કહેવાય છે અને તેનો અસલી ઉપયોગ શો હતો?
આ ખિસ્સાને સત્તાવાર રીતે "વોચ પોકેટ" કહેવામાં આવે છે. 19મી સદીમાં લોકો કાંડા ઘડિયાળને બદલે ગોળ 'પોકેટ વોચ' નો ઉપયોગ કરતા હતા. તે સમયે ખાણિયાઓ અને મજૂરો કામ કરતી વખતે પોતાની કિંમતી ઘડિયાળ સુરક્ષિત રાખી શકે અને તે તૂટી ન જાય, તે માટે ખાસ આ ખિસ્સું બનાવવામાં આવ્યું હતું. આજે ભલે પોકેટ વોચનો જમાનો જતો રહ્યો હોય, પણ ડિઝાઇનની પરંપરા તરીકે તે આજેય જીન્સમાં જોવા મળે છે જેને લોકો હવે 'કોઈન પોકેટ' તરીકે પણ ઓળખે છે.
જીન્સમાં જોવા મળતા વિવિધ પ્રકારના ખિસ્સા (Pockets)
ફ્રન્ટ પોકેટ: તેને ક્રોસ પોકેટ પણ કહે છે, જેમાં મોબાઈલ કે પાકીટ જેવી જરૂરી વસ્તુઓ સરળતાથી રાખી શકાય છે.
બેક પોકેટ: જીન્સની પાછળના ભાગે આવતા આ ખિસ્સા સ્ટાઈલ અને સામાન રાખવા બંને માટે ઉપયોગી છે.
કાર્ગો પોકેટ: આ જીન્સની સાઈડમાં આવેલા મોટા અને લટકતા ખિસ્સા છે, જે વધુ સામાન રાખવા માટે જાણીતા છે.
ફ્લેપ પોકેટ: આ એવા ખિસ્સા છે જેની ઉપર કપડાનું ઢાંકણ હોય છે, જેથી સામાન સુરક્ષિત રહે.
ઝિપ પોકેટ: કિંમતી સામાન ચોરી કે પડી જવાથી બચાવવા માટે આમાં ચેન આપેલી હોય છે.
પેચ પોકેટ: જીન્સના કાપડની ઉપરથી અલગથી સિલાઈ કરીને જોડવામાં આવતા ખિસ્સા, જે સામાન્ય રીતે બેક પોકેટમાં જોવા મળે છે.
સ્લાન્ટ પોકેટ: ત્રાંસા કટવાળા આ ખિસ્સામાં હાથ નાખવો ખૂબ જ આરામદાયક હોય છે.
સિક્રેટ પોકેટ: કેટલાક આધુનિક જીન્સમાં અંદરની તરફ છુપાયેલું નાનું ખિસ્સું હોય છે, જેમાં કિંમતી વસ્તુઓ સંતાડી શકાય છે.
આમ, જે ખિસ્સાને આપણે સામાન્ય રીતે સિક્કા રાખવાનું સાધન ગણીએ છીએ, તે વાસ્તવમાં સદીઓ જૂની ઘડિયાળ સાચવવાની અદભુત ટેકનિકનો એક ભાગ છે!
