Best Beaches in Gujarat: દિવાળીની રજાઓમાં જો તમે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો દરિયાકિનારે ફરવા જવાનો પ્લાન પણ સારો વિકલ્પ બની શકે છે. ગુજરાતમાં એવા અનેક સુંદર બીચ આવેલા છે, જ્યાં તમે દરિયાની લહેરો, સુંદર સૂર્યાસ્ત અને કુદરતી નજારાઓનો આનંદ માણી શકો છો. કેટલાક બીચ પર વોટર સ્પોર્ટ્સ અને ઊંટ-ઘોડાની સવારીનો પણ અનુભવ મળે છે. આવો જાણીએ ગુજરાતના આવા સુંદર બીચ વિશે, જ્યાં તમે પરિવાર સાથે યાદગાર સમય વિતાવી શકો છો.
માંડવી બીચ, કચ્છ (Mandvi Beach)
કચ્છના માંડવી શહેરમાં આવેલો માંડવી બીચ ગુજરાતના લોકપ્રિય દરિયાકિનારાઓમાંનો એક છે. અહીંની સોનેરી રેતી, દરિયાની ઠંડી હવા અને સુંદર સૂર્યાસ્ત પ્રવાસીઓને આકર્ષે છે. પરિવાર સાથે દરિયાકિનારે બેસીને સમય પસાર કરવા માટે આ એક સરસ સ્થળ છે.
માંડવી બીચ પર ઊંટ અને ઘોડાની સવારી, વોટર સ્પોર્ટ્સ અને જેટ સ્કી જેવી પ્રવૃત્તિઓનો આનંદ પણ માણી શકાય છે. ખાસ વાત એ છે કે અહીં દરિયાકિનારે પવનચક્કીઓનો નજારો પણ જોવા મળે છે. માંડવી શહેરની મુલાકાત દરમિયાન તમે ઐતિહાસિક વિજય વિલાસ પેલેસ અને શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની પણ મુલાકાત લઈ શકો છો.

શિવરાજપુર બીચ, દ્વારકા (Shivrajpur Beach)
દ્વારકાથી આશરે 12 કિલોમીટરના અંતરે આવેલો શિવરાજપુર બીચ ગુજરાતના સૌથી સુંદર બીચમાંથી એક છે. અહીંનું સ્વચ્છ પાણી, સફેદ રેતી અને દરિયાનો મનમોહક નજારો પ્રવાસીઓને ખાસ આકર્ષે છે. આ બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી બ્લૂ ફ્લેગ માન્યતા પણ મળી છે.
અહીં પરિવાર અને મિત્રો સાથે દરિયાકિનારે ફરવાની સાથે સ્નોર્કલિંગ, સ્કૂબા ડાઇવિંગ અને અન્ય વોટર એક્ટિવિટીઝનો આનંદ માણી શકાય છે. ક્યારેક અહીં ડોલ્ફિન અને વિવિધ પ્રકારનાં પક્ષીઓ પણ જોવા મળે છે. સાંજના સમયે અહીંનો સૂર્યાસ્ત ખૂબ જ સુંદર લાગે છે. દ્વારકાની મુલાકાતે જતા હોવ તો શિવરાજપુર બીચને તમારા પ્રવાસમાં ચોક્કસ સામેલ કરજો.

ઘોઘા બીચ, ભાવનગર (Ghogha Beach)
ભાવનગરથી આશરે 26 કિલોમીટર દૂર આવેલો ઘોઘા બીચ શાંતિ અને કુદરતી સુંદરતા પસંદ કરતા લોકો માટે સારો વિકલ્પ છે. અહીં દરિયાની લહેરો, સોનેરી રેતી અને દરિયાકિનારાનો સુંદર નજારો જોવા મળે છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે અહીં ફરવાની મજા કંઈક અલગ જ હોય છે.
આ બીચ ખૂબ વ્યાપારીક રીતે વિકસિત ન હોવાથી અહીં અન્ય લોકપ્રિય બીચની સરખામણીએ ઓછી ભીડ જોવા મળે છે. પરિવાર સાથે લાંબી વોક કરવા અને શાંતિથી સમય પસાર કરવા માટે આ સ્થળ પસંદ કરી શકાય છે. અહીં નજીકમાં આવેલી ઐતિહાસિક બરવાડા મસ્જિદ અને હઝરત પીર દરગાહની પણ મુલાકાત લઈ શકાય છે.

માધવપુર બીચ, પોરબંદર (Madhavpur Beach)
પોરબંદર નજીક આવેલો માધવપુર બીચ ગુજરાતના સુંદર અને શાંત દરિયાકિનારાઓમાંનો એક છે. અહીં નારિયેળનાં ઊંચાં વૃક્ષો, લાંબો રેતાળ દરિયાકિનારો અને દરિયાનું વાદળી પાણી એક સુંદર વાતાવરણ ઊભું કરે છે. શહેરની ભીડથી દૂર પરિવાર સાથે આરામદાયક સમય પસાર કરવા માટે આ સ્થળ ઉત્તમ છે.
અહીં બીચ પર લાંબી વોક કરવાની સાથે નારિયેળ પાણી અને નાસ્તાની મજા પણ માણી શકાય છે. આસપાસના વિસ્તારમાં માધવરાયજી હવેલી મંદિર અને રુક્મિણીનો ચોરો જેવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીનાં લગ્ન માધવપુરમાં થયાં હતાં. જોકે, અહીં દરિયામાં તરવા જતાં પહેલાં સ્થાનિક સુરક્ષા સૂચનાઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

નાગોઆ બીચ, દીવ (Nagoa Beach)
દીવના બુચરવાડા ગામ નજીક આવેલો નાગોઆ બીચ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ બીચનો આકાર ઘોડાની નાળ જેવો હોવાથી તે વધુ આકર્ષક લાગે છે. અહીં નારિયેળનાં વૃક્ષો, સ્વચ્છ રેતી અને દરિયાની સુંદર લહેરો પ્રવાસીઓને ખાસ પસંદ આવે છે.
પરિવાર સાથે આરામ કરવા અને દરિયાકિનારે મોજમસ્તી કરવા માટે આ એક સરસ સ્થળ છે. અહીં વોટર સ્પોર્ટ્સ, બોટિંગ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ પણ લઈ શકાય છે. ઓક્ટોબરથી મે મહિના દરમિયાન દીવની મુલાકાત લેવી સામાન્ય રીતે સારી ગણાય છે.

ચોરવાડ બીચ, જૂનાગઢ (Chorwad Beach)
જૂનાગઢ જિલ્લાના ચોરવાડ શહેરમાં આવેલો ચોરવાડ બીચ કુદરતી સૌંદર્ય અને શાંતિ માટે જાણીતો છે. અહીંનો દરિયાકિનારો અન્ય બીચ કરતાં થોડો અલગ છે. રેતાળ વિસ્તારની સાથે ખડકાળ કિનારો પણ જોવા મળે છે, જે આ સ્થળને ખાસ બનાવે છે.
અહીં દરિયાકિનારે લાંબી વોક કરી શકાય છે અને કુદરતી નજારાઓનો આનંદ માણી શકાય છે. ચોરવાડમાં અગાઉ જૂનાગઢના નવાબનો મહેલ પણ હતો, જે આ વિસ્તારના ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. અહીં બોટ રાઇડ અને માછીમારી જેવી પ્રવૃત્તિઓની તક પણ મળી શકે છે. જોકે, ગુજરાત ટુરિઝમની માહિતી મુજબ આ બીચ પર તરવું સુરક્ષિત નથી, તેથી દરિયામાં ઉતરવાનું ટાળવું.

પિંગલેશ્વર બીચ, કચ્છ (Pingleshwar Beach)
કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલો પિંગલેશ્વર બીચ શાંત વાતાવરણ અને કુદરતી સુંદરતા માટે જાણીતો છે. અહીં લાંબો રેતાળ દરિયાકિનારો, દરિયાની લહેરો અને ખુલ્લું આકાશ પ્રવાસીઓને આકર્ષે છે. જો તમે પરિવાર સાથે ભીડથી દૂર શાંતિથી સમય પસાર કરવા માંગતા હોવ તો આ સ્થળ સારો વિકલ્પ બની શકે છે.
પિંગલેશ્વર બીચ નજીક ભગવાન શિવનું પ્રાચીન પિંગલેશ્વર મહાદેવ મંદિર પણ આવેલું છે. અહીં ધાર્મિક દર્શનની સાથે દરિયાકિનારાની સુંદરતાનો આનંદ માણી શકાય છે. ખાસ કરીને સૂર્યાસ્ત સમયે અહીંનું વાતાવરણ ખૂબ જ મનમોહક લાગે છે.

