Gotala Dosa Recipe: ઢોસા ખાવાના શોખીન લોકોને અવનવી વેરાયટી ટ્રાય કરવી ખૂબ પસંદ હોય છે. સાદા મસાલા ઢોસા તો તમે અનેકવાર ખાધા હશે, પરંતુ શું ક્યારેય ગોટાળા ઢોસાનો સ્વાદ ચાખ્યો છે? બટર, ચટપટા મસાલા, શાકભાજી અને ચીઝથી તૈયાર થતો આ ઢોસો સ્ટ્રીટ ફૂડના શોખીનોમાં ખૂબ લોકપ્રિય છે. તો આજે જાણીએ ઘરે જ સ્વાદિષ્ટ અને મસાલેદાર ગોટાળા ઢોસા બનાવવાની રીત.
ગોટાળા ઢોસા બનાવવા માટેની સામગ્રી
- ઢોસાનું ખીરું – 2 કપ
- બારીક સમારેલી ડુંગળી – 1 નંગ
- બારીક સમારેલા ટામેટાં – 2 નંગ
- કેપ્સિકમ – 1 નંગ
- બાફેલા બટાકા – 2 નંગ
- લીલાં મરચાં – 2 નંગ
- આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી
- બટર – 3 ચમચી
- લાલ મરચું પાવડર – 1 ચમચી
- પાવભાજી મસાલો – 1 ચમચી
- હળદર – અડધી ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- છીણેલું ચીઝ – અડધો કપ
- લીલી કોથમીર – જરૂર મુજબ
- તેલ – જરૂર મુજબ
ગોટાળા ઢોસા બનાવવાની રીત
સૌપ્રથમ એક તવો ગરમ કરી તેમાં થોડું બટર ઉમેરો. હવે તેમાં સમારેલી ડુંગળી, લીલાં મરચાં અને આદુ-લસણની પેસ્ટ નાખીને બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટાં અને કેપ્સિકમ ઉમેરીને નરમ થાય ત્યાં સુધી પકાવો.
હવે તેમાં બાફેલા બટાકા ઉમેરીને મેશ કરો. ત્યારબાદ લાલ મરચું પાવડર, હળદર, પાવભાજી મસાલો અને મીઠું ઉમેરીને બધી સામગ્રીને બરાબર મિક્સ કરો. થોડું પાણી ઉમેરીને આ મિશ્રણને મસળતા રહો, જેથી મસાલો એકદમ સરસ અને નરમ બને. છેલ્લે તેમાં છીણેલું ચીઝ ઉમેરીને બરાબર મિક્સ કરો.
હવે બીજા ગરમ તવા પર ઢોસાનું ખીરું પાથરીને ગોળાકાર ઢોસો બનાવો. તેની ઉપર થોડું બટર લગાવો અને વચ્ચે તૈયાર કરેલો ગોટાળાનો મસાલો પાથરી દો. મસાલાને ઢોસા પર સારી રીતે ફેલાવી થોડીવાર શેકો. ઉપરથી ફરી થોડું ચીઝ અને કોથમીર નાખો.
ઢોસો ક્રિસ્પી થઈ જાય એટલે તેને વાળી લો અથવા તવા પર જ કાપીને ગરમાગરમ પીરસો. તૈયાર છે સ્વાદિષ્ટ સ્ટ્રીટ સ્ટાઇલ ગોટાળા ઢોસા. તેને નારિયેળની ચટણી અને સાંભાર સાથે ખાવાની મજા જ અલગ છે.
