Soaked Walnuts vs Dry Walnuts: ડ્રાયફ્રૂટ્સને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે અને તેમાં અખરોટનું વિશેષ સ્થાન છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન, ફાઇબર અને અનેક જરૂરી પોષક તત્વો હોય છે. પરંતુ જ્યારે અખરોટ ખાવાની વાત આવે છે ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે તેને રાતભર પાણીમાં પલાળીને ખાવા જોઈએ કે પછી સીધા સૂકા જ ખાવા જોઈએ? બંને રીતે અખરોટ ખાવાની પોતાની ખાસિયત છે. તો ચાલો જાણીએ કઈ રીત તમારા સ્વાસ્થ્ય માટે વધુ યોગ્ય છે.
પલાળેલા અખરોટ અને સૂકા અખરોટ વચ્ચે શું છે અંતર?
પલાળેલા અખરોટ ખાવાના ફાયદા
અખરોટને રાતભર પાણીમાં પલાળીને સવારે ખાવાની પરંપરા ઘણા ઘરોમાં જોવા મળે છે. પલાળવાથી અખરોટ નરમ બને છે, જેના કારણે તેને ચાવવાનું સરળ રહે છે. ખાસ કરીને જેમને કઠણ વસ્તુઓ ચાવવામાં તકલીફ પડતી હોય તેમના માટે આ રીત અનુકૂળ બની શકે છે.
કેટલાક લોકો માને છે કે અખરોટ પલાળવાથી તેમાં રહેલા ફાયટેટ્સ ઘટે છે. જોકે, અખરોટને પલાળવાથી તેના પોષક તત્વો નોંધપાત્ર રીતે વધી જાય છે અથવા તે સૂકા અખરોટ કરતાં વધુ ફાયદાકારક બની જાય છે,
સૂકા અખરોટ ખાવાના ફાયદા
સૂકા અખરોટમાં પણ પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. જ્યારે ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સૂકા અખરોટ ખાવા માટે કોઈ ખાસ તૈયારી કરવાની જરૂર પડતી નથી. તમે તેને સવારના નાસ્તામાં, ફળો સાથે અથવા ઓટ્સમાં ઉમેરીને ખાઈ શકો છો.
અખરોટ પલાળીને ખાવા કે સૂકા?
જો તમને નરમ અખરોટ ખાવા ગમતા હોય અથવા ચાવવામાં સરળતા જોઈતી હોય તો તેને પલાળીને ખાઈ શકો છો. બીજી તરફ, જો તમને સૂકા અખરોટ ખાવામાં કોઈ તકલીફ ન હોય તો તેને સીધા ખાવા પણ એટલા જ યોગ્ય છે. ખાસ વાત એ છે કે અખરોટના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા માત્ર તેને પલાળવા કે સૂકા ખાવા પર આધારિત નથી, પરંતુ તમે કેટલી માત્રામાં અને કેવા આહારમાં તેનો સમાવેશ કરો છો તેના પર પણ આધાર રાખે છે.
રોજ કેટલા અખરોટ ખાવા જોઈએ?
સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિ રોજ આશરે 28 ગ્રામ અખરોટ એટલે કે 7 જેટલા આખા અખરોટના ટુકડા (14 અડધા ભાગ) ખાઈ શકે છે. અખરોટમાં કેલરી અને ફેટનું પ્રમાણ વધારે હોવાથી તેનું સેવન મર્યાદામાં કરવું જરૂરી છે. તેને નાસ્તા તરીકે અથવા રોજિંદા ભોજનમાં સામેલ કરી શકાય છે.
