Parenting Tips: માતાપિતા ઘણીવાર વિચારે છે કે, જો બાળક થોડા સમય માટે તેમના મોબાઇલ ફોન પર શોર્ટ વીડિયો જુએ છે, તો કોઈ સમસ્યા નથી. જો કે હકીકત એ છે કે, માત્ર 15 સેકન્ડનો વીડિયો બાળકના મગજને બે કલાકની ફિલ્મ કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે.
આ મામલે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડૉ. સુમિત ગ્રોવર પાસેથી જાણીએ કે, બાળકોના વિકાસ માટે શોર્ટ વીડિયો અને મોબાઈલ એડિક્શન કેવી રીતે મોટો પડકાર બની ગયા છે?
બાળકોનું માઈન્ડ હાઈજેક થઈ રહ્યું છે
ખાસ કરીને શૉર્ટ વીડિયો તમારું ધ્યાન તાત્કાલિક ખેંચવા માટે બનાવવામાં આવતા હોય છે. જેમાં ઝડપથી બદલાતા દ્રશ્યો, જીવંત અવાજો અને દરેક ક્ષણે કંઈક નવું દર્શાવવામાં આવે છે. બાળકોના મગજ હજુ પણ વિકાસશીલ હોવાથી તેઓ ફોક્સ કરવા અને સેલ્ફ કંટ્રોલ શીખી રહ્યા હોય છે.
આ કિસ્સામાં આ તીવ્ર ઉત્તેજના તેમના મગજ પર હાવી થઈ શકે છે. દરેક શોર્ટ્સ ક્લિપ કોઈપણ પ્રયત્નો વિના તાત્કાલિક આનંદ અને ઉત્તેજના પ્રદાન કરે છે.

અસલી દુશ્મન છે સ્ક્રોલિંગ (Mobile Addiction In Kids)
- જ્યારે 15 સેકન્ડનો વીડિયો ફક્ત ધ્યાન ભટકાવે છે, જ્યારે 2 કલાકની ફિલ્મ સંપૂર્ણ વાર્તા કહે છે.
- ફિલ્મો બાળકોને ધીરજ રાખવાનું અને લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે.
- બાળકો પાત્રોને સમજે છે, તેમની પ્રવૃત્તિઓનું અવલોકન કરે છે અને તેમની લાગણીઓ અનુભવે છે.
- ફિલ્મ જોતી વખતે બાળકો વાર્તા સાથે જોડાયેલા રહે છે, જે તેમના ભાવનાત્મક વિકાસમાં મદદ કરે છે.
- જેનાથી વિપરીત શોર્ટ વીડિયોમાં ઘણીવાર સંદર્ભ અથવા અર્થનો અભાવ હોય છે. જે ફક્ત એક પછી એક સ્ક્રોલ થતા રહે છે. એમ લાગે છે કે, તેનો કોઈ અંત નથી.
અભ્યાસ કંટાળાજનક બની જાય છે
શોર્ટ વીડિયોનું આ વ્યસન વાસ્તવિક દુનિયાની પ્રવૃત્તિઓને અસર કરવાનું શરૂ કરી શકે છે. જ્યારે બાળકો ઝડપી મનોરંજનના વ્યસની બની જાય છે, ત્યારે તેઓને પુસ્તકો વાંચવા, હોમવર્ક કરવા અથવા સામાન્ય વાતચીતો પણ કંટાળાજનક લાગી શકે છે. આનું કારણ એ છે કે, આ એક્ટિવિટી ટૂંકા વીડિયોની માફક ઝડપી અને ત્વરિત આનંદ આપતી નથી.

ફોક્સ અને ક્રીએટીવિટી માટે ખતરો
લાંબા સમય સુધી ખૂબ જ શોર્ટ વીડિયો જોવાથી બાળકોનું ફોક્સ ખોરવાઈ શકે છે અને તેઓ વધુ ચીડિયા થઈ શકે છે.
સૌથી મોટી સમસ્યા એ છે કે, બાળકો કંટાળાને સહન કરવાનું ભૂલી જાય છે. સત્ય એ છે કે, કંટાળો એ સમય છે જ્યારે માનવ મન શીખવા અને સર્જનાત્મકતા માટે તૈયાર હોય છે. વાસ્તવિક ખતરો વીડિયોની લંબાઈનો નથી, પરંતુ આ મોટેથી અને ઝડપી ક્લિપ્સનું સતત અને વારંવાર પુનરાવર્તનનો છે. આ આદત બાળકોના ધ્યાન, શીખવા અને ભાવનાત્મક વિકાસમાં અવરોધ લાવી શકે છે.
