Navratri 2026: વર્તુળમાં અને તાળીઓ સાથે જ કેમ રમાય છે ગરબા-રાસ? ખૂબ રસપ્રદ છે ગુજરાતના આ લોકનૃત્યનો ઇતિહાસ!

ગરબા ગુજરાતની લોકસંસ્કૃતિ અને માતા અંબેની આરાધના સાથે જોડાયેલું પરંપરાગત લોકનૃત્ય છે. જાણો ગરબાનો ઇતિહાસ, નામનો અર્થ, ગોળ ઘૂમવાનું મહત્વ અને તેની ખાસિયતો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sun, 11 Oct 2026 02:10 AM (IST)Updated: Sun, 11 Oct 2026 02:10 AM (IST)
news-why-garba-raas-played-in-circle-with-clapping-history-of-gujarat-folk-dance

Garba Dance History: આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે અને ગુજરાતમાં ઠેર-ઠેર માતા અંબેની આરાધના સાથે ગરબાની રમઝટ જામશે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગરબાનાં તાલે ઝૂમવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. રંગબેરંગી ચણિયાચોળી, કેડિયું, પરંપરાગત આભૂષણો અને તાળીઓના તાલ સાથે રમાતા ગરબા ગુજરાતની આગવી ઓળખ છે. પરંતુ શું તમે જાણો છો કે ગરબા રમતી વખતે લોકો ગોળ ફરીને તાળી કેમ પાડે છે? આ પરંપરા પાછળ માતા અંબેની આરાધના સાથે જોડાયેલો રસપ્રદ ઇતિહાસ છે. તો ચાલો જાણીએ ગુજરાતના આ લોકપ્રિય લોકનૃત્યની શરૂઆત કેવી રીતે થઈ અને ગરબાનું નામ કેવી રીતે પડ્યું.

ગરબાની શરૂઆત કેવી રીતે થઈ?

ગરબાની પરંપરા સદીઓ જૂની માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં માતા અંબેની આરાધના કરવા માટે માટીના ઘડામાં કાણાં પાડીને તેની અંદર દીવો પ્રગટાવવામાં આવતો હતો. ત્યારબાદ મહિલાઓ આ દીવા ધરાવતા ઘડાની આસપાસ ગોળ ફરીને તાળી વગાડતી અને ભક્તિભાવથી નૃત્ય કરતી હતી. આ પરંપરા માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવાનું માધ્યમ બની હતી.

સમય જતાં આ ધાર્મિક પરંપરાએ લોકનૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું અને ગરબો ગુજરાતની સંસ્કૃતિનો અભિન્ન ભાગ બન્યો. આજે પણ નવરાત્રિ દરમિયાન અનેક સ્થળોએ ગરબાની શરૂઆત માતાજીની સ્થાપના અને આરતી સાથે કરવામાં આવે છે.

ગરબાનું નામ કેવી રીતે પડ્યું?

ગરબા શબ્દનો સંબંધ સંસ્કૃતના 'ગર્ભ' શબ્દ સાથે માનવામાં આવે છે. ગરબામાં ગોળાકાર માટીના ઘડાની અંદર પ્રગટાવેલો દીવો જીવન, પ્રકાશ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ ઘડાને ગુજરાતીમાં 'ગરબો' પણ કહેવામાં આવે છે.

ગરબાના ગોળાકાર ઘેરામાં લોકો દીવા અથવા માતાજીની સ્થાપનાની આસપાસ ફરીને નૃત્ય કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, દીવાની જ્યોત માતા અંબેની શક્તિ અને જીવનના પ્રકાશનું પ્રતીક છે. આ જ કારણથી ગરબાને માત્ર મનોરંજન નહીં, પરંતુ ભક્તિ સાથે જોડાયેલી પરંપરા તરીકે પણ જોવામાં આવે છે.

ગોળ વર્તુળમાં તાળી વગાડીને જ ગરબા કેમ રમાય છે?

ગરબાની સૌથી ખાસ ઓળખ તેનો ગોળાકાર ઘેરો અને તાળીઓનો તાલ છે. ગરબામાં લોકો એકબીજાની સાથે તાલ મિલાવીને ગોળ ફરીને નૃત્ય કરે છે. આ ગોળાકાર રચના એકતા, સામૂહિકતા અને જીવનના સતત પ્રવાહનું પ્રતીક માનવામાં આવે છે.

ગરબા દરમિયાન હાથની તાળીઓ અને પગલાં વચ્ચે તાલમેલ રાખવામાં આવે છે. શરૂઆતમાં ગરબાની ગતિ ધીમી હોય છે, પરંતુ સંગીતનો તાલ વધતાં પગલાં અને તાળીઓની ઝડપ પણ વધે છે. આ રીતે ગરબો ધીમે ધીમે વધુ ઉત્સાહપૂર્ણ બનતો જાય છે. ગરબામાં બે તાળી, ત્રણ તાળી અને હીંચ જેવા વિવિધ પ્રકાર જોવા મળે છે. દરેક પ્રકારની પોતાની અલગ લય અને પગલાંની શૈલી હોય છે. આ જ વિવિધતા ગરબાને વધુ આકર્ષક બનાવે છે.

ગરબો ગુજરાત માટે કેમ છે ખાસ?

ગરબો ગુજરાતની લોકસંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને સામાજિક એકતાનું પ્રતીક છે. નવરાત્રિ દરમિયાન લોકો જાતિ, ઉંમર અને સામાજિક ભેદભાવ ભૂલીને એકસાથે ગરબા રમે છે. માતા અંબેની આરાધનાની સાથે આ નૃત્ય લોકોને એકબીજાની નજીક લાવવાનું કામ પણ કરે છે. ગરબાની સુંદરતા તેમાં પહેરવામાં આવતા પરંપરાગત પોશાકમાં પણ જોવા મળે છે. મહિલાઓ રંગબેરંગી ચણિયાચોળી પહેરે છે, જેમાં અરીસાનું કામ, ભરતકામ અને કોડી જેવી પરંપરાગત સજાવટ જોવા મળે છે. સાથે પરંપરાગત આભૂષણો ગરબાના દેખાવને વધુ આકર્ષક બનાવે છે. બીજી તરફ, પુરુષો કેડિયું, ચોરણ અને રંગબેરંગી પાઘડી જેવા પરંપરાગત પોશાક પહેરીને ગરબાની રમઝટમાં જોડાય છે. આ પોશાક ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખે છે.

ગરબાનાં ગીતોમાં પણ થાય છે માતા અંબેની આરાધના

ગરબાનાં ગીતો તેની પરંપરાનો મહત્વનો ભાગ છે. પરંપરાગત ગરબામાં મહિલાઓ સમૂહમાં માતાજીનાં ગીતો ગાતી અને તેના તાલે નૃત્ય કરતી હતી. આ ગીતોમાં માતા અંબેની મહિમા, શક્તિ અને ભક્તિની અભિવ્યક્તિ જોવા મળે છે; સમય સાથે ગરબાનાં સંગીતમાં પણ ફેરફાર આવ્યો છે. આજે પરંપરાગત ગરબા ગીતો ઉપરાંત આધુનિક સંગીત અને ફ્યુઝન ગરબા પણ લોકપ્રિય બન્યા છે. મોટા મેદાનોમાં ડીજે અને લાઇવ ઓર્કેસ્ટ્રાના તાલે હજારો લોકો એકસાથે ગરબા રમે છે. તેમ છતાં, ગરબાની મૂળ ભાવના માતાજીની ભક્તિ અને ગુજરાતની પરંપરાને જાળવી રાખવાની છે.

ગરબો માત્ર નૃત્ય નહીં, ગુજરાતની ઓળખ છે

ગરબાનો ઇતિહાસ દર્શાવે છે કે આ લોકનૃત્યની પાછળ માત્ર સંગીત અને મનોરંજન જ નહીં, પરંતુ ધાર્મિક શ્રદ્ધા, પરંપરા અને સામૂહિક એકતાની ભાવના પણ રહેલી છે. માટીના ઘડામાં પ્રગટાવેલા દીવાથી શરૂ થયેલી આ પરંપરા આજે વૈશ્વિક સ્તરે ગુજરાતની ઓળખ બની છે. નવરાત્રિ દરમિયાન ગોળ ઘેરામાં તાળી વગાડીને ગરબા રમવાની પરંપરા આજની પેઢીને પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસા સાથે જોડે છે.