Lili Haldar Nu Shaak Recipe: શિયાળાની શરૂઆત થતાં જ બજારમાં તાજી લીલી હળદર મળવા લાગે છે. આ ઋતુમાં લીલી હળદરનો ઉપયોગ કરીને અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં લીલી હળદરનું શાક ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેનો સ્વાદ અને સુગંધ ભોજનનો સ્વાદ વધારી દે છે. તો આ શિયાળામાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી લીલી હળદરનું શાક.
લીલી હળદરનું શાક બનાવવા માટેની સામગ્રી
- લીલી હળદર – 200 ગ્રામ
- રીંગણ – 2 નંગ
- બટાકા – 2 નંગ
- લીલા વટાણા – અડધો કપ
- ટામેટાં – 2 નંગ
- લીલા મરચાં – 2 નંગ
- આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી
- દહીં – 2 ચમચી
- તેલ – 3 ચમચી
- જીરું – અડધી ચમચી
- હિંગ – એક ચપટી
- હળદર – અડધી ચમચી
- લાલ મરચું – 1 ચમચી
- ધાણાજીરું – 1 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- ગોળ – નાનો ટુકડો
- લીલા ધાણા – જરૂર મુજબ
લીલી હળદરનું શાક બનાવવાની રીત
સૌથી પહેલાં લીલી હળદરને સારી રીતે ધોઈને તેની છાલ ઉતારી લો. ત્યારબાદ તેને છીણી લો અથવા ઝીણી સમારી લો. બટાકા અને રીંગણને પણ ધોઈને મધ્યમ કદના ટુકડામાં કાપી લો. ટામેટાં અને લીલાં મરચાંની પેસ્ટ તૈયાર કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરું અને હિંગ નાખીને વઘાર કરો. ત્યારબાદ તેમાં છીણેલી લીલી હળદર ઉમેરીને ધીમા તાપે બરાબર સાંતળો. હળદરની કાચી સુગંધ દૂર થાય અને તેનો રંગ થોડો ઘેરો થાય ત્યાં સુધી તેને શેકવી જરૂરી છે.
હવે તેમાં આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં-ટામેટાંની પેસ્ટ ઉમેરો. બધી સામગ્રીને બરાબર મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો. ત્યારબાદ તેમાં દહીં ઉમેરીને સતત હલાવતા રહો, જેથી દહીં ફાટી ન જાય.
હવે તેમાં બટાકા, રીંગણ અને લીલા વટાણા ઉમેરો. સાથે જ મીઠું, લાલ મરચું, ધાણાજીરું અને થોડો ગોળ નાખીને બરાબર મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરીને કડાઈ ઢાંકી દો અને શાકને મધ્યમ તાપે ચઢવા દો.
શાકમાં બટાકા અને રીંગણ બરાબર ચડી જાય અને ગ્રેવી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. છેલ્લે ઉપરથી લીલા ધાણા ભભરાવો. તૈયાર છે ઉત્તર ગુજરાતનું સ્વાદિષ્ટ અને પરંપરાગત લીલી હળદરનું શાક. તેને ગરમાગરમ બાજરીના રોટલા, રોટલી કે ભાખરી સાથે પીરસો.
